અમદાવાદમાં બદલાતી ઋતુ વચ્ચે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય અને વાયરલ રોગોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 94 કેસ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં આ આંકડો વધીને 315 થયો છે. છેલ્લા એક સપ્તાહમાં હોસ્પિટલની OPDમાં 29 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હોવાનું જણાવાયું છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક સપ્તાહમાં 15,986 દર્દીઓ OPDમાં નોંધાયા છે. હોસ્પિટલમાં ડેન્ગ્યુના 169, મેલેરિયાના 13, ટાઈફોઈડના 4, સ્વાઈન ફ્લૂના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે.
બદલાતી ઋતુને કારણે બાળકોમાં પણ તાવ, શરદી અને ઉધરસના કેસોમાં વધારો થયો છે. પીડિયાટ્રિક વિભાગમાં દરરોજ આશરે 100થી 150 બાળકો સારવાર માટે આવી રહ્યા છે. તબીબોએ લાંબો સમય તાવ રહેવા, અશક્તિ કે અન્ય લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તબીબી સલાહ અને જરૂરી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.










