ભરૂચની 14મી સદીની ઐતિહાસિક જામી મસ્જિદનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પાંચ અરજદારોએ પિટિશન દાખલ કરીને મસ્જિદના ભોંયરામાં આવેલી ભગવાન મલ્લીનાથની મૂર્તિને સુરક્ષા આપવાની અને જૈન સમુદાયને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવાની માગ કરી છે.
અરજદારોના દાવા મુજબ, મસ્જિદના બેઝમેન્ટમાં તપાસ દરમિયાન જૈન ધર્મના તીર્થંકર ભગવાન મલ્લીનાથની મૂર્તિ મળી આવી હતી. અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ મૂર્તિ જૈન સમાજ માટે અત્યંત પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે.
મૂર્તિને સુરક્ષા આપવા કોર્ટ સમક્ષ રજૂઆત
અરજદારોએ વિવાદને કારણે મૂર્તિને નુકસાન પહોંચવાની અથવા તેને નષ્ટ કરવાની આશંકા વ્યક્ત કરી છે. આથી મૂર્તિને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવા અને જૈન સમાજને પૂજાનો અધિકાર આપવા કોર્ટ સમક્ષ માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જામી મસ્જિદ 14મી સદીમાં ઘિયાસુદ્દીન તુઘલકના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હોવાનું જણાવાય છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા વર્ષ 1909માં તેને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્થળ પ્રાચીન સ્મારક અને પુરાતત્ત્વીય સ્થળો તથા અવશેષો અધિનિયમ, 1958 હેઠળ આવે છે.
શુક્રવારે વધુ સુનાવણી
કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે પણ અરજદારોની રજૂઆતમાં તથ્ય હોવાનું જણાવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ નિશા ઠાકોરે વધુ સુનાવણી શુક્રવારે નિર્ધારિત કરી છે.
આ પિટિશનમાં અરજદારોએ કેન્દ્ર સરકાર, ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI), ગુજરાત સરકાર અને જામી મસ્જિદની મેનેજિંગ કમિટીને પક્ષકાર બનાવ્યાં છે. હવે આ મામલે હાઈકોર્ટની આગામી સુનાવણી પર સૌની નજર રહેશે.










