માલધારી સમાજ અને ભાજપનો સંબંધ રાજકારણનો નહીં, લાગણીનો છે: હર્ષ સંઘવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરમાં ભાજપના માલધારી મહાસંમેલનમાં નાયબ મુખ્યમંત્રીનું સંબોધન; સમાજ સાથેના જૂના સંબંધો યાદ કર્યા, વિકાસનાં કામોનો ઉલ્લેખ કરી સહકારની અપીલ કરી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીના અંતિમ તબક્કામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા રાત્રિ સભાઓ અને સમાજલક્ષી સંમેલનો યોજવામાં આવી રહ્યાં છે. આ અંતર્ગત ભાજપ દ્વારા માલધારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં માલધારી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનને સંબોધતાં હર્ષ સંઘવીએ માલધારી સમાજ સાથેના પોતાના જૂના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ બલોદરના છે અને આજે પણ તેમના ઘરે ગોગા મહારાજનો દીવો પ્રગટાવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, રબારી સમાજના એક વડીલ પાસેથી તેમણે હીરા ઘસવાનું કામ શીખ્યું હતું અને રબારી સમાજના એક હજારથી વધુ પરિવારો સાથે તેમના જૂના સંબંધો છે.

‘માલધારી સમાજ દિલથી કામ કરતો સમાજ છે’

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે માલધારી સમાજ મગજથી નહીં, પરંતુ દિલથી કામ કરતો સમાજ છે. ભાજપ અને માલધારી સમાજ વચ્ચેના સંબંધો વર્ષોથી મજબૂત રહ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે આ નાતો માત્ર રાજકારણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિશ્વાસ અને લાગણીનો સંબંધ છે.

ગાંધીનગરના વિકાસનાં કામોનો ઉલ્લેખ

ગાંધીનગરના વિકાસ અંગે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ શાળાઓમાં કોમ્પ્યુટરાઇઝેશન, શહેરના 25થી વધુ વિસ્તારોમાં ગાર્ડનનું નિર્માણ અને તળાવોના વિકાસ સહિતનાં કામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી મોટું પશુ દવાખાનું બનાવવાની વાત પણ કરી હતી.

ગૌહત્યાના કેસો અંગે તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની ધરપકડ ઉપરાંત કાયદાકીય કાર્યવાહી બાદ સજાની જોગવાઈ પણ છે.

વિરોધીઓ પર કટાક્ષ, સહકાર આપવા અપીલ

સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ વિરોધીઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોઈ પણ સારું કામ કરવામાં આવે ત્યારે વિરોધનો સામનો કરવો પડે છે. પરિવારમાં પણ પાંચ ભાઈઓ હોય તો એકાદ વ્યક્તિ અલગ સ્વભાવની હોય છે, તેવો ઉલ્લેખ તેમણે કર્યો હતો.

અંતમાં તેમણે સંમેલનમાં ઉપસ્થિત લોકોને આગામી દિવસોમાં સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે યોજાયેલા આ સંમેલનને ભાજપ દ્વારા માલધારી સમાજ સાથેના સંબંધો મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai