રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી; અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રાજીવ ગાંધી ભવન ખાતે રખાયો
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી ચૂકેલા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાત કોંગ્રેસે બે વરિષ્ઠ નેતાઓ ગુમાવ્યા છે. આ પહેલાં વિરજીભાઈ ઠુમ્મરનું અવસાન થયું હતું.
દીપક બાબરિયા કોંગ્રેસમાં સામાન્ય કાર્યકર તરીકે જોડાયા હતા અને લાંબી રાજકીય સફર દરમિયાન સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કામગીરી કરી હતી. તેઓ રાષ્ટ્રીય મહામંત્રી સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા હતા અને છેલ્લે હરિયાણાના પ્રભારી તરીકે કાર્યરત હતા. હરિયાણામાં કામગીરી દરમિયાન તેમની તબિયત લથડતાં તેઓ સારવાર હેઠળ હતા. જોકે, લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.
દીપક બાબરિયાના નિધનના સમાચાર મળતાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા સહિતના નેતાઓએ શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પક્ષના નેતાઓએ તેમના અવસાનને કોંગ્રેસ અને જાહેર જીવન માટે ખોટ ગણાવી હતી.
અંતિમ સંસ્કાર પહેલાં તેમના પાર્થિવ દેહને અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરીને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના અવસાનથી ગુજરાત કોંગ્રેસમાં શોકનો માહોલ છવાયો છે.










