મોરબી–વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ડિવાઈડરની કટમાંથી પસાર થઈ રહેલી ડબલ સવારી બાઈકને પાછળથી આવેલી બોલેરો ગાડીએ અડફેટે લેતાં બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં એક યુવાનને ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ મકનસર ગામની ધર્મ મંગળ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય રામુભાઈ સુરેન્દ્રપ્રસાદ શર્માએ બોલેરો ગાડી નંબર GJ-36-V-5832ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બાઈક નંબર UP-75-AV-0329 નિખિલસિંહ મહેન્દ્રસિંહ ચલાવી રહ્યા હતા અને રામુભાઈ પાછળ બેઠા હતા. દરમિયાન મકનસર ગામ પાસે ડિવાઈડરની કટ નજીક બોલેરો ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી.
અકસમાતને પગલે બંને યુવાનોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.










