ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય પક્ષોની જીત-હાર વચ્ચે હવે રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે. આવતીકાલે યોજાનારા મતદાન બાદ 13મીએ પરિણામ જાહેર થશે. ભાજપે તમામ 44 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારશે તે અંગે ઉત્સુકતા વધી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના બાદથી અહીંની રાજનીતિમાં પક્ષપલટાની ઘટનાઓ ચર્ચામાં રહી છે. વર્ષ 2011માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે 33માંથી 18 બેઠકો જીતી બહુમતી મેળવી હતી, જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી. જોકે, એ જ વર્ષે ઓક્ટોબરમાં કોંગ્રેસના મેયર સહિત અન્ય બે સભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં ભાજપે મહાનગરપાલિકાનું શાસન સંભાળ્યું હતું.
વર્ષ 2016ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને 32માંથી 16-16 બેઠકો મળી હતી. ત્યારબાદ કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલે પક્ષપલટો કરતાં ભાજપના સમર્થનથી મેયરપદ મેળવ્યું હતું. આ ઘટનાએ ગાંધીનગરના રાજકારણમાં પક્ષપલટાની પરંપરાને વધુ ચર્ચાસ્પદ બનાવી હતી.
ભાજપનો તમામ 44 બેઠકો જીતવાનો લક્ષ્યાંક
વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતીને જંગી સફળતા મેળવી હતી. કોંગ્રેસના બે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર વિજેતા બન્યા હતા. જોકે, કોંગ્રેસના બંને ચૂંટાયેલા કોર્પોરેટર બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા, જ્યારે AAPના એકમાત્ર કોર્પોરેટરે વિપક્ષમાં પોતાની ભૂમિકા જાળવી રાખી હતી.
આ વખતે ભાજપે તમામ 44 બેઠકો જીતવા માટે ચૂંટણી પ્રચારમાં તાકાત લગાવી છે. બીજી તરફ, કોંગ્રેસે પક્ષપલટાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પોતાના તમામ 44 ઉમેદવારોને સુરક્ષિત સ્થળે રાખ્યા હોવાનો અહેવાલ છે. આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પાછાં ખેંચી લેતાં ચૂંટણીના સમીકરણોમાં ફેરફાર થયો છે.
કોંગ્રેસ અને AAP માટે પણ પ્રતિષ્ઠાનો જંગ
હાલની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 44-44 ઉમેદવારો, જ્યારે આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારો મેદાનમાં છે. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓની મોટી વસ્તી અને શહેરના વિસ્તરણને ધ્યાનમાં રાખીને ત્રણેય પક્ષો માટે આ ચૂંટણી રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે ઊભરી આવ્યા બાદ પક્ષપલટાની ઘટનાઓનો સામનો કરનારી આમ આદમી પાર્ટી માટે પણ ગાંધીનગરમાં પોતાની રાજકીય હાજરી મજબૂત કરવાનો પડકાર છે. બીજી તરફ, કોંગ્રેસના પ્રચારમાં શંકરસિંહ વાઘેલાની સક્રિયતાથી મતદારો પર કેટલી અસર પડશે તે પણ પરિણામ બાદ સ્પષ્ટ થશે.
હવે મતદાન અને ત્યારબાદ જાહેર થનારા પરિણામ પર સૌની નજર છે. ભાજપ પોતાનો તમામ 44 બેઠકો જીતવાનો લક્ષ્યાંક હાંસલ કરશે કે કોંગ્રેસ અને AAP તેને પડકાર આપશે, તેનો નિર્ણય મતદારોના મતદાનથી થશે.










