LCBની કાર્યવાહી, બે શખસોની ધરપકડ; દારૂ સહિત રૂ. 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
છોટા ઉદેપુર: ગુજરાતમાં દારૂબંધી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરી છે. ઘઉંના લોટના કોથળાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આઇસર વાહનને પોલીસે ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં બે શખસોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ અને વાહન સહિત રૂ. 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
લોટના કોથળા હટાવતાં દારૂની પેટીઓ મળી
મળતી માહિતી મુજબ, LCBની ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક આઇસર વાહનમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહન અટકાવી તેની તલાશી લીધી હતી.
વાહનની અંદર પ્રથમ નજરે ઘઉંના લોટના કોથળા ભરેલા જોવા મળ્યા હતા. જોકે, પોલીસે કોથળા હટાવી તપાસ કરતાં તેની નીચે વિદેશી દારૂની પેટીઓ છુપાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
4,070 બોટલ દારૂ જપ્ત
વાહનની સઘન તપાસ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 4,070 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ. 10,52,410 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત આઇસર વાહન અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે બે શખસોની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.










