ગુજરાતમાં રસ્તાઓની નબળી ગુણવત્તા અને ખાડાઓને લઈને ઊઠી રહેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના સરકારી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ ચેતવણી આપી છે. માર્ગ-મકાન વિભાગની ચિંતન શિબિરમાં તેમણે જણાવ્યું કે, અધિકારીઓને પ્રમોશન અર્ધી રાત્રે પણ મળી શકે છે, પરંતુ રસ્તાઓના નબળા કામ અને બેદરકારી કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ માત્ર સરકારી અધિકારીઓ જ નહીં, પરંતુ રોડ નિર્માણ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોને પણ ગુણવત્તા જાળવવા તાકીદ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે કામ દરમિયાન અજાણતાં થતી ભૂલ અને ઇરાદાપૂર્વક કરવામાં આવતી નબળી કામગીરી વચ્ચે તફાવત છે, પરંતુ જાણીજોઈને હલકી ગુણવત્તાનું કામ કરનારાઓને છૂટ આપવામાં આવશે નહીં.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર કાગળ પરની કામગીરી અને સારું પેપરવર્ક પૂરતું નથી. ટેન્ડર પ્રક્રિયાથી લઈને રસ્તાનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી દરેક તબક્કે ગુણવત્તા અને કાર્યક્ષમતા જાળવવી જરૂરી છે. આ ઉપરાંત, સમગ્ર કામગીરી નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ થાય તેની પણ કડક તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ માટે પરફોર્મન્સ ઇન્ડેક્સ તથા કોન્ટ્રાક્ટરો માટે પરફોર્મન્સ રેટિંગ અને કોસ્ટ-બેઝ્ડ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. કામગીરીના મૂલ્યાંકનના આધારે જવાબદારી નક્કી કરવાની દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે.
ગુજરાતમાં રસ્તાઓની ગુણવત્તા અને ખાડાઓને લઈને વારંવાર ઊઠતી ફરિયાદો વચ્ચે મુખ્યમંત્રીની આ ચેતવણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે રસ્તાઓના બાંધકામમાં ગુણવત્તા જાળવવા અને બેદરકારી બદલ જવાબદારી નક્કી કરવા પર સરકારનો ભાર રહેશે.










