10 ટકા ભાગીદારી અને 2 ટકા મેનેજમેન્ટ નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું, ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદના જુહાપુરામાં રહેતા અને નારણપુરામાં રેસ્ટોરાં ચલાવતા 51 વર્ષીય વેપારી સાથે રૂ. 1.18 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. Styrun Health Care નામની પેઢીને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવાની અને તેમાં ભાગીદારી આપવાની લાલચ આપી ચાર શખ્સોએ વેપારી તથા તેમના મિત્ર પાસેથી રોકાણ મેળવ્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, ઓક્ટોબર 2021માં મહંમદ, આબીદઅલી, અકબરઅલી અને મંજુરઅલી ચુડીયાએ કાસમઅલી ખરોડિયાનો સંપર્ક કરી પેઢીમાં 10 ટકા ભાગીદારી અને 2 ટકા મેનેજમેન્ટ નફાની ઓફર આપી હતી. આ વિશ્વાસે કાસમઅલી અને તેમના પરિવારે કુલ રૂ. 98 લાખનું રોકાણ કર્યું હતું. તેમના બે પુત્રોના નામે 5-5 ટકા ભાગીદારીના નોટરાઇઝ્ડ કરાર પણ કરવામાં આવ્યા હતા.
કોરા ચેક મેળવી નાણાં ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મે 2022માં ઓડિટ રિપોર્ટ અને લેજર બુકમાં એડજસ્ટમેન્ટ કરવાનું બહાનું કાઢીને આરોપીઓએ વેપારીના પુત્રો પાસેથી કોરા ચેક મેળવ્યા હતા અને નાણાં પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ત્યારબાદ વર્ષ 2024માં કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવા માટે વધુ નાણાંની જરૂર હોવાનું જણાવી વેપારીના મિત્ર પિનલભાઈ શાહ પાસેથી પણ રૂ. 20 લાખનું રોકાણ કરાવ્યું હતું.
વેપારીનો આક્ષેપ છે કે લાંબા સમય સુધી રાહ જોયા છતાં કંપનીને પ્રાઇવેટ લિમિટેડ બનાવવામાં આવી નહોતી, નફો ચૂકવાયો નહોતો કે રોકાણની રકમ પરત આપવામાં આવી નહોતી. વારંવાર માંગણી કરવા છતાં ઓડિટ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે કાસમઅલી ખરોડિયાની ફરિયાદના આધારે ચારેય શખ્સો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.










