ROBના ગર્ડર લોન્ચિંગ માટે સવારે 10થી બપોરે 12:30 સુધી બ્લોક; બે ટ્રેનો રદ, બેના ટર્મિનલ બદલાશે અને એક ટ્રેન ભીલાડ સુધી જ દોડશે
વાપી-વલસાડ: પશ્ચિમ રેલવે દ્વારા વાપી અને વલસાડ સ્ટેશન વચ્ચે રોડ ઓવરબ્રિજ (ROB)ના નિર્માણ કાર્ય અંતર્ગત BSG ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે રવિવાર, 18 ઑક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી રેલવે બ્લોક લેવામાં આવશે. તેના કારણે અપ-ડાઉન મેઇન લાઇન અને ડાઉન લૂપ લાઇન પર ટ્રેન વ્યવહારને અસર થશે.
બ્લોકને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવા, કેટલીક ટ્રેનોની મુસાફરી મર્યાદિત કરવા અને ટર્મિનલમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોના સંચાલનમાં વિલંબ થવાની પણ શક્યતા છે.
બે ટ્રેનો સંપૂર્ણપણે રદ
18 ઑક્ટોબરના રોજ નીચેની બે ટ્રેનો રદ રહેશે:
ટ્રેન નંબર 69154: વલસાડથી ઉમરગામ રોડ.
ટ્રેન નંબર 69153: ઉમરગામ રોડથી વલસાડ.
વડોદરા-દાદર વચ્ચેની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર
ટ્રેન નંબર 22930 (વડોદરા–દાદર): આ ટ્રેન 18 ઑક્ટોબરના રોજ દાદર સુધી જવાને બદલે વલસાડ સ્ટેશન પર જ મુસાફરી પૂર્ણ કરશે.
ટ્રેન નંબર 22929 (દાદર–વડોદરા): આ ટ્રેન દાદરને બદલે વલસાડ સ્ટેશનથી મુસાફરી શરૂ કરશે.
બોરીવલી-વલસાડ ટ્રેન ભીલાડ સુધી જ દોડશે
ટ્રેન નંબર 69139 (બોરીવલી–વલસાડ) પણ 18 ઑક્ટોબરના રોજ વલસાડ સુધી નહીં જાય. આ ટ્રેનની મુસાફરી ભીલાડ સ્ટેશન પર જ પૂર્ણ કરવામાં આવશે.
રેલવે બ્લોકને કારણે મુસાફરોની મુસાફરીના આયોજન પર અસર પડી શકે છે. તેથી મુસાફરોએ ઘરેથી નીકળતાં પહેલાં સંબંધિત ટ્રેનના સમયપત્રક અને સંચાલન અંગેની સત્તાવાર માહિતી તપાસી લેવી, જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.










