પરીક્ષાની તૈયારી દરમિયાન યુવક ડૂબતાં અફરાતફરી; તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, હાલત સ્થિર હોવાની માહિતી
અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્યમાં બોટમેનની તાલીમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. તાલીમ પ્રક્રિયા દરમિયાન 21 વર્ષીય મુબારક પરમાણી અચાનક પાણીમાં ડૂબવા લાગતાં સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. હાજર લોકોએ તાત્કાલિક તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ, યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
બોટમેનની પરીક્ષાની તાલીમ દરમિયાન ઘટના
નળસરોવરમાં બોટમેનની તાલીમ ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષાના એક રાઉન્ડમાં ત્રણ મિનિટમાં 50 મીટરનું અંતર કાપીને પરત આવવાનું હોય છે. આ રાઉન્ડની તાલીમ દરમિયાન મુબારક પરમાણી પાણીમાં ડૂબ્યો હતો.
જોકે, યુવક તરતી વખતે ડૂબ્યો હતો કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની હતી, તે અંગે સ્પષ્ટતા થઈ નથી. દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસનો વિષય છે.
બોટિંગ ફરી શરૂ કરવાની તૈયારીઓ
નળસરોવર પક્ષી અભયારણ્ય 9 ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અગાઉની બોટિંગ દુર્ઘટનાઓ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોટિંગ વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. હાલ બોટમેનને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પ્રમાણિત 100 નવી યાંત્રિક બોટ અને પાંચ રેસ્ક્યૂ બોટ દિવાળી સુધીમાં તબક્કાવાર શરૂ કરવાની યોજના છે. પ્રવાસીઓની સલામતી માટે બોટમેનની તાલીમ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ ઘટનાએ બોટિંગ સેવા ફરી શરૂ કરવાની તૈયારીઓ વચ્ચે તાલીમ દરમિયાન સલામતીના નિયમોનું કડક પાલન કેટલું જરૂરી છે તે મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે.










