મહામંત્રી તરીકે બે ટર્મની કામગીરી બાદ પ્રમોશન; પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી જાહેરાત
ગુજરાત ભાજપ યુવા મોરચાના નવા અધ્યક્ષ તરીકે ડો. નરેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ યુવા મોરચામાં મહામંત્રી તરીકે બે ટર્મ સુધી જવાબદારી સંભાળનાર ડો. દેસાઈને હવે પ્રમુખપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના સંગઠનાત્મક માળખામાં તેમની આ નિમણૂકને પ્રમોશન તરીકે જોવામાં આવી રહી છે.
વિદ્યાર્થી પરિષદથી ભાજપ સુધીની સફર
મૂળ પાટણના ડો. નરેશ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટના સભ્ય છે. તેમની જાહેર કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી પરિષદથી થઈ હતી. ત્યારબાદ ભાજપમાં જોડાયા બાદ તેમને સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. યુવા મોરચામાં મહામંત્રી તરીકે કામગીરી કર્યા બાદ હવે તેમને ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
અગાઉના પ્રમુખને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી
અગાઉ યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા વડોદરાના સાંસદ ડો. હેમાંગ દેસાઈને રાષ્ટ્રીય સ્તરે ભાજપ યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે. તેમના સ્થાને ગુજરાતમાં ડો. નરેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખે કરી જાહેરાત
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડો. નરેશ દેસાઈની નિમણૂકની જાહેરાત કરી હતી. તેઓ તાત્કાલિક ધોરણે નવી જવાબદારી સંભાળે તેવી શક્યતા છે. આ નિમણૂક બાદ સંગઠનમાં ખાલી પડનારા મહામંત્રીપદે નવા ચહેરાને સ્થાન મળે તેવી પણ સંભાવના છે.










