હવે રાજ્યના 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો પરથી શ્રમિકોને મળશે માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન; દૈનિક ભોજન વિતરણનો આંકડો 45 હજાર સુધી પહોંચશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નજીક આવેલા અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે સંવાદ પણ કર્યો હતો.
બાંધકામ ક્ષેત્રના શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. નવાં કેન્દ્રો શરૂ થતાં હવે રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો દ્વારા શ્રમિકોને ભોજનનો લાભ મળશે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વર્ષ 2017થી અમલમાં રહેલી આ યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5માં ભોજન આપવામાં આવે છે. નવાં કેન્દ્રોના ઉમેરા સાથે દૈનિક ભોજન વિતરણમાં અંદાજે 10 હજાર ભોજનનો વધારો થશે અને કુલ વિતરણ દરરોજ આશરે 45 હજાર ભોજન સુધી પહોંચશે.
યોજના હેઠળ આપવામાં આવતા ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અઠવાડિયામાં એક વખત સુખડી અને શીરા જેવાં મિષ્ટાન પણ આપવામાં આવે છે. આ યોજનાથી શ્રમિકોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજનના ખર્ચમાં પણ રાહત મળશે.










