અમદાવાદમાં રાજકીય પક્ષના નામે રૂ. 250 કરોડની ટેક્સ ચોરીનું કૌભાંડ, 7 સામે ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કાગળ પર પાર્ટી બનાવી બોગસ ડોનેશન અને ખોટા ખર્ચા દર્શાવ્યાનો આરોપ, બે વર્ષમાં રૂ. 843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયાનો ખુલાસો

અમદાવાદમાં આમ જનમત પાર્ટીના નામે કથિત ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આવકવેરા વિભાગની તપાસમાં પક્ષના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિત સંડોવાયેલા લોકો દ્વારા બોગસ ડોનેશન અને ખોટા ખર્ચાઓ દર્શાવી આશરે રૂ. 250 કરોડની કરચોરી કર્યાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસ મુજબ, વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન પાર્ટીનાં બેંક ખાતાંમાં રૂ. 843.97 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપ છે કે, મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ માધ્યમથી ડોનેશન મેળવી તેમને આવકવેરામાં 100 ટકા કપાતનો લાભ અપાવવામાં આવતો હતો. ત્યારબાદ આ નાણાં ચૂંટણી પ્રચાર, રેલી અને જાહેરાતોના ખોટા ખર્ચા દર્શાવી વિવિધ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં.

આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ત્યારબાદ આંગડિયા પેઢીઓ મારફતે નાણાં રોકડમાં ઉપાડી નક્કી કરેલું કમિશન કાપીને બાકીની રકમ મૂળ દાતાઓને પરત કરવામાં આવતી હોવાની આશંકા છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા સરકારી તિજોરીને આશરે રૂ. 250 કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે.

આ કેસમાં આમ જનમત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક દિનેશકુમાર જૈન તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોની સહિત સાત લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં ખોટા ઓડિટ રિપોર્ટ અને દસ્તાવેજો તૈયાર કરીને સરકારી પોર્ટલ પર રજૂ કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.

આવકવેરા વિભાગ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આરોપો અંગે અંતિમ નિર્ણય તપાસ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai