કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાત પ્રવાસે; પ્રેરણાતીર્થ અને વિશ્વ નંદિકર જૈન દેરાસરની મુલાકાત લીધી, જૈન ધર્મના અહિંસા, સંયમ અને અપરિગ્રહના સિદ્ધાંતોને યાદ કર્યા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં આવેલા પ્રેરણાતીર્થ જૈન દેરાસર તથા વિશ્વ નંદિકર જૈન દેરાસરની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
અમિત શાહે આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ભાવ વ્યક્ત કર્યા હતા. તેમણે જૈન ધર્મની પરંપરા અને તેના મૂલ્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અહિંસા, સંયમ અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતો સદીઓથી ભારતીય સમાજને માર્ગદર્શન આપતા આવ્યા છે.
જૈન ધર્મના મૂલ્યોને કર્યા યાદ
અમિત શાહે આચાર્ય શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યને આધ્યાત્મિક અનુભવ ગણાવ્યો હતો. જૈન ધર્મના અહિંસા, સંયમ અને અપરિગ્રહના સિદ્ધાંતો વ્યક્તિગત જીવનની સાથે સમાજમાં પણ શાંતિ, કરુણા અને નૈતિકતાનો સંદેશ આપે છે.
અમદાવાદમાં આવેલા બંને જૈન દેરાસરોની મુલાકાત દરમિયાન ધાર્મિક દર્શન અને આચાર્યશ્રીના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો હતો. આ મુલાકાતને પગલે જૈન સમાજમાં પણ ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત થઈ હતી.










