કરજણ નદી પરના બ્રિજમાં ગંભીર ક્ષતિઓ સામે આવી; ₹10.71 કરોડના કામમાં બેદરકારી બદલ કાયદાકીય કાર્યવાહી અને ખાતાકીય તપાસના આદેશ
નર્મદા જિલ્લાના રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ પર કરજણ નદી ઉપર આવેલા મેજર બ્રિજના નબળા બાંધકામ મામલે રાજ્ય સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. બ્રિજની ગુણવત્તામાં ગંભીર ક્ષતિઓ સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ બાંધકામની કામગીરીમાં બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે માર્ગ અને મકાન વિભાગને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાજપીપળા અને રામગઢ સહિત આસપાસના વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ એવા આ બ્રિજની ચકાસણી દરમિયાન એક ફાઉન્ડેશન બેસી જવાની ક્ષતિ સામે આવી હતી. ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા સમગ્ર બ્રિજનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય ભાગોમાં પણ ખામીઓ જણાઈ હતી.
બ્રિજ વાહનવ્યવહાર માટે સલામત ન હોવાનું સામે આવતાં તેના પરથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખીને બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર અને તેના પ્રતિનિધિઓ સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગે વર્ષ 2018-19માં આ બ્રિજનું કામ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરતને સોંપ્યું હતું. આ પ્રોજેક્ટની ટેન્ડર રકમ ₹10.71 કરોડ હતી. કામગીરી શરૂ કરવાની તારીખ 15 સપ્ટેમ્બર, 2018 હતી, જ્યારે બાંધકામ 14 ઓગસ્ટ, 2020ના રોજ પૂર્ણ થયું હતું.
બ્રિજની તપાસ દરમિયાન ફાઉન્ડેશન બેસી જવાની ખામી સામે આવ્યા બાદ કરાયેલી વિસ્તૃત ચકાસણીમાં અન્ય ક્ષતિઓ પણ મળી આવી હતી. તેના કારણે બ્રિજની મજબૂતી અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.
આ મામલે મુખ્યમંત્રીએ માત્ર કોન્ટ્રાક્ટર સામે જ નહીં, પરંતુ બાંધકામની દેખરેખ અને ગુણવત્તા જાળવવાની જવાબદારી સંભાળતા અધિકારીઓ તથા કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવા સૂચના આપી છે. જવાબદાર જણાતા અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 હેઠળ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બ્રિજના નબળા બાંધકામને લઈને લેવાયેલા આ પગલાંથી સરકારી બાંધકામોની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.










