દિવાળીના ટૂર બુકિંગ પહેલાં ચેતજો! નેપાળ પ્રવાસના નામે 20 પોસ્ટલ કર્મચારીઓ સાથે છેતરપિંડી, ₹1.50 લાખની ઠગાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

‘દ્વારકેશ હોલીડેયઝ’ના નામે કન્ફર્મ ટિકિટની ખાતરી આપી નાણાં પડાવ્યા, 9 બોગસ ટિકિટ આપી આરોપી ફરાર થતાં ઇસનપુર પોલીસમાં ફરિયાદ

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ટૂર બુકિંગના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. નેપાળ પ્રવાસ માટે ટપાલ વિભાગના આશરે 20 કર્મચારીઓની એર ટિકિટ બુક કરાવવાના બહાને ₹1.50 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આરોપીએ કન્ફર્મ ટિકિટ આપવાની ખાતરી આપી નાણાં મેળવ્યા બાદ નવ બોગસ ટિકિટ આપી હતી. બાકીની ટિકિટો નહીં આપતાં અને આરોપીનો ફોન બંધ આવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઇસનપુરમાં માનસી સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય સોનલબહેન ચુનારા છેલ્લા પાંચ વર્ષથી ઘરેથી ‘સોનુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ ચલાવે છે. તેમના પતિ ટપાલ વિભાગના આર.એમ.એસ. વિભાગમાં ફરજ બજાવે છે. વિભાગના આશરે 20 કર્મચારીઓએ નેપાળ પ્રવાસનું આયોજન કર્યું હતું. સરકારી નિયમો મુજબ એલટીસી (LTC) ભથ્થું મેળવવા માટે એડવાન્સ ટિકિટ રજૂ કરવાની હોવાથી સોનલબહેને નારણપુરાની ‘દ્વારકેશ હોલીડેયઝ પ્રા.લિ.’ના સંચાલક તરીકે ઓળખ આપનાર વિમલ મૂળજીભાઈનો સંપર્ક કર્યો હતો.

આરોપીએ 48 કલાકમાં તમામ કન્ફર્મ ટિકિટ આપી દેવાની ખાતરી આપીને ₹1.50 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ 7 એપ્રિલ, 2026ના રોજ સોનલબહેને તેમના પતિના એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ મારફતે ફોન-પે દ્વારા ₹1 લાખ ટ્રાન્સફર કર્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીએ નવ ટિકિટ મોકલી હતી, પરંતુ બાકીની ટિકિટો આપવા માટે વધુ ₹50 હજારની માંગણી કરી હતી. આથી સોનલબહેને 10 એપ્રિલે પોતાના એસબીઆઈ ખાતામાંથી ગૂગલ-પે દ્વારા વધુ ₹50 હજાર ચૂકવ્યા હતા.

જોકે, બંને હપ્તામાં કુલ ₹1.50 લાખ મેળવ્યા બાદ આરોપીએ બાકીની ટિકિટો આપવાને બદલે બહાનાં કાઢવાનું શરૂ કર્યું હતું. સોનલબહેન અને તેમના પતિ 11 એપ્રિલે નારણપુરા સ્થિત કથિત ઓફિસે પહોંચ્યાં ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્યાં વિમલ નામની કોઈ વ્યક્તિ કામ કરતી નહોતી. તપાસ દરમિયાન અગાઉ આપવામાં આવેલી નવ ટિકિટો પણ બોગસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

આખરે સોનલબહેને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિમલ મૂળજીભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે દિવાળીના પ્રવાસનું આયોજન કરતા લોકો અને ટૂર ઓપરેટરોને બુકિંગ પહેલાં એજન્સીની વિશ્વસનીયતા, ઓફિસનું સરનામું અને ટિકિટની અધિકૃતતા ચકાસવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai