“જાપાન ઊગતા સૂર્યનો દેશ, તો ગુજરાત ઊગતી તકોની ભૂમિ”: હર્ષ સંઘવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઓસાકામાં જાપાનના ઉદ્યોગપતિઓ સાથે હાઈ-લેવલ બેઠક, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે રોકાણ માટે આમંત્રણ

જાપાનના ઓસાકા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે ઉચ્ચ સ્તરીય ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા રાજ્યમાં જાપાની રોકાણની નવી તકો ઊભી કરવાનો હતો.

બેઠકને સંબોધતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “જાપાન ઊગતા સૂર્યનો દેશ છે અને ગુજરાત ઊગતી તકોની ભૂમિ છે.” તેમણે ભારત અને જાપાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો, પરસ્પર વિશ્વાસ અને સહિયારાં મૂલ્યોનો ઉલ્લેખ કરીને બંને દેશો વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો.

ગુજરાતની આર્થિક ક્ષમતા અને ઔદ્યોગિક પ્રગતિ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, દેશની આશરે 5 ટકા વસ્તી ધરાવતું ગુજરાત ભારતના જીડીપીમાં 8 ટકાથી વધુ યોગદાન આપે છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજ્યનો હિસ્સો 18 ટકા છે, જ્યારે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ જેટલો છે. આ ઉપરાંત, દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાતનાં બંદરોનો હિસ્સો આશરે 40 ટકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત અને જાપાન વચ્ચેના ઔદ્યોગિક સંબંધોનો ઉલ્લેખ કરતાં નાયબ મુખ્યમંત્રીએ સુઝુકી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને જાપાનીઝ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સને બંને દેશો વચ્ચેની ભાગીદારીનાં મહત્ત્વપૂર્ણ ઉદાહરણ ગણાવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં ગુજરાત રોકાણ માટે અનુકૂળ તકો પૂરી પાડી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાપાન પાસે આધુનિક ટેકનોલોજી અને ગુજરાત પાસે કુશળ માનવબળ તથા ઔદ્યોગિક ક્ષમતા છે. બંનેની શક્તિઓનું સંયોજન વૈશ્વિક બજારમાં નવી તકો ઊભી કરી શકે છે. ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છતા જાપાની ઉદ્યોગપતિઓને રાજ્યની મુલાકાત લેવા, ઉપલબ્ધ તકોનો અભ્યાસ કરવા અને વિકાસની ભાગીદારીમાં જોડાવા તેમણે આમંત્રણ આપ્યું હતું.

આ બેઠકમાં ડાઇકી એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી, કન્સાઈ જાપાન-ઇન્ડિયા એસોસિએશન, નાકાનિશિ મેટલ વર્ક્સ અને પેનાસોનિક એનર્જી સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હિગાશિયોસાકા અને આશિયા શહેરના મેયરો પણ બેઠકમાં જોડાયા હતા. બેઠકને ગુજરાત અને જાપાન વચ્ચે વેપાર, ટેકનોલોજી અને ઔદ્યોગિક સહકાર વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai