રૂ. 6 કરોડના અંદાજ સામે રૂ. 7.80 કરોડની મર્યાદામાં કામગીરી કરાવવાની તૈયારી; કોન્ટ્રાક્ટર નિષ્ફળ જાય તો રોજના રૂ. 10 હજારનો દંડ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડ્રેનેજ લાઇનના ભંગાણના સમારકામ માટે નવ કોન્ટ્રાક્ટરોની પેનલ બનાવી વાર્ષિક ઇજારો આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. અંદાજિત રૂ. 6 કરોડની કામગીરી માટે 18 ટકા વધુ ભાવ મંજૂર કરવાની દરખાસ્તને પગલે કુલ ખર્ચની મર્યાદા રૂ. 7.80 કરોડ નક્કી કરવામાં આવી છે. આથી અંદાજ કરતાં રૂ. 1.80 કરોડ વધુ ખર્ચ થવાની શક્યતા છે.
સાત વખત ટેન્ડર છતાં કોન્ટ્રાક્ટરોનો પ્રતિસાદ નહીં
કોર્પોરેશનની જૂની ડ્રેનેજ લાઇનોમાં, ખાસ કરીને 4.50 મીટરથી વધુ ઊંડાઈ ધરાવતી લાઇનોમાં ભંગાણ સર્જાય ત્યારે તાત્કાલિક સમારકામ જરૂરી બને છે. ચોમાસા દરમિયાન આવી સમસ્યાઓ વધતી હોવાથી કામગીરીમાં વિલંબ ન થાય તે માટે કોન્ટ્રાક્ટરોની પેનલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રારંભિક ટેન્ડર પ્રક્રિયા અને ઝોનવાર વાર્ષિક ઇજારા માટે સાતમા પ્રયાસ સુધી કોઈ ભાવપત્ર મળ્યું નહોતું. ત્યારબાદ સીધી ઓફર મંગાવવામાં આવતાં 10 કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો હતો. એસ.કે. મકવાણા એન્ડ કંપનીએ શરૂઆતમાં અંદાજ કરતાં 45.11 ટકા વધુ એટલે કે રૂ. 8.70 કરોડથી વધુનો ભાવ રજૂ કર્યો હતો. ભાવ ઘટાડવા જણાવ્યા બાદ 18 ટકા વધુના ભાવે કામગીરી કરવા સંમતિ આપવામાં આવી હતી.
નવ કોન્ટ્રાક્ટરોની પેનલ બનાવાશે
દરખાસ્તમાં એસ.કે. મકવાણા એન્ડ કંપની, ભાવેશ આર. પંડ્યા, જે.એસ. કપ્તાન, મારુતિ એન્ટરપ્રાઇઝ, યુનિટી ઇન્ફ્રા, માનસિ કોર્પોરેશન, ભાવીન એન્ટરપ્રાઇઝ, ઇલાઇટ એન્જિનિયર્સ અને રાજકમલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આકાર કન્સ્ટ્રક્શન સિવાય અન્ય ઇજારદારોએ 18 ટકા વધુના ભાવે કામગીરી કરવા સંમતિ આપી હોવાનું દરખાસ્તમાં જણાવાયું છે.
કામમાં વિલંબ થાય તો રોજનો રૂ. 10 હજારનો દંડ
ઇજારો મળ્યા બાદ કોન્ટ્રાક્ટરે તાત્કાલિક સમારકામ શરૂ કરવાનું રહેશે. જો કોન્ટ્રાક્ટર કામગીરી કરવામાં નિષ્ફળ જાય તો કોર્પોરેશન અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી તેનો ખર્ચ મૂળ ઇજારદાર પાસેથી વસૂલ કરી શકશે. કામગીરીમાં વિલંબ બદલ પ્રતિદિન રૂ. 10,000નો દંડ વસૂલવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. સમારકામ સ્થળે તાત્કાલિક બેરીકેડિંગ કરવું પણ ફરજિયાત રહેશે.
હાલ આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ડ્રેનેજ ભંગાણના તાત્કાલિક સમારકામ માટે પેનલના કોન્ટ્રાક્ટરોની મદદ લેવામાં આવશે.










