સહકારી નેતા દિલીપ સંઘાણીના કાર્યક્રમમાં રાજકોટ લોધિકા સંઘનો ઉલ્લેખ થતાં રાજકીય ચર્ચા તેજ; ચેરમેન-વાઇસ ચેરમેનની પસંદગીમાં વિલંબ પાછળ ભાજપના આંતરિક જૂથવાદની અટકળો
રાજકોટ જિલ્લાના પ્રતિષ્ઠિત સહકારી સંગઠન રાજકોટ-લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાને લગભગ બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી થઈ નથી. આ મુદ્દો હવે રાજકીય અને સહકારી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોધિકા સંઘનો ઉલ્લેખ કરીને કરેલા કટાક્ષને કારણે આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે.
ગાંધીનગરમાં સહકારી નેતા દિલીપ સંઘાણીના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત રાજ્યના અનેક નેતાઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તવ્ય આપતાં પરસોત્તમ રૂપાલાએ સહકારી ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની સાથે રાજકોટ-લોધિકા સંઘનો પણ ઉલ્લેખ કર્યો હતો.
300 કરોડની ડિપોઝિટનો ઉલ્લેખ કરતાં રૂપાલાએ કરી પ્રશંસા
રૂપાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સ્વ. વલ્લભભાઈ પટેલે તે સમયે ખાદ્યતેલના સંગ્રહ માટે સ્ટોરેજ સુવિધા ઊભી કરી હતી અને લોધિકા સંઘની સ્થાપનામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે નાની સંસ્થા તરીકે શરૂ થયેલા આ સંઘ પાસે આજે આશરે રૂ.300 કરોડની ડિપોઝિટ હોવાનું જણાવી તેમણે સંસ્થાના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રદેશ પ્રમુખના હાસ્ય બાદ રૂપાલાનો કટાક્ષ
વક્તવ્ય દરમિયાન રાજકોટ-લોધિકા સંઘનું નામ આવતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હસવા લાગ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને રૂપાલાએ કહ્યું હતું કે, ‘તેની મને ખબર છે, પરંતુ અત્યારે તેનો ઉલ્લેખ કરવા માંગતો નથી.’ રૂપાલાના આ નિવેદન બાદ પ્રદેશ પ્રમુખની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હસવા લાગ્યા હતા.
રૂપાલાના આ ટકોરને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં અલગ-અલગ અર્થઘટનો થઈ રહ્યા છે. ખાસ કરીને લોધિકા સંઘની ચૂંટણી બાદ બે મહિનાથી ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી અટકી હોવાના સંદર્ભમાં તેમના નિવેદનને જોવામાં આવી રહ્યું છે.
ચૂંટણીનાં પરિણામો બાદ હોદ્દેદારોની પસંદગી અટકી
રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની પસંદગી થવાની પ્રક્રિયા હજુ આગળ વધી નથી. ભાજપમાં આંતરિક ખેંચતાણ અને ચૂંટણી દરમિયાન થયેલા બળવાને કારણે આ પ્રક્રિયા અટકી હોવાની ચર્ચા છે. ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત બળવો કરીને ચૂંટણી લડનારા અથવા બળવાખોર ઉમેદવારોને સમર્થન આપનારા ઉમેદવારો પણ જીત્યા હોવાની વાત સામે આવી હતી.
આ ઘટનાને પગલે પક્ષમાં આંતરિક અસંતોષ હોવાની ચર્ચા છે. બળવો કરનારા અથવા તેમને સાથ આપનારા સામે પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેમ છતાં સંઘના નવા હોદ્દેદારોની ચૂંટણી અટકેલી હોવાથી સહકારી વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. જોકે, ચૂંટણી પ્રક્રિયા અટકવાનું સત્તાવાર કારણ સ્પષ્ટ થયું નથી.
જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે જંગ
લોધિકા સંઘની ચૂંટણી દરમિયાન જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી હતી. ચૂંટણીમાં રાદડિયા સમર્થિત સત્તાવાર ઉમેદવારોની સાથે બળવો કરીને મેદાનમાં ઉતરેલા ઉમેદવારો પણ વિજયી થયા હોવાનું જણાવાય છે. પરિણામ બાદ નવા હોદ્દેદારોની પસંદગીનો મુદ્દો વધુ સંવેદનશીલ બન્યો છે.
આ સંજોગોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં રૂપાલાએ કરેલો લોધિકા સંઘનો ઉલ્લેખ માત્ર સહકારી સંસ્થાના વિકાસની વાત પૂરતો સીમિત ન હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. હવે સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ક્યારે યોજાય છે અને પક્ષના આંતરિક મતભેદોનો ઉકેલ કેવી રીતે આવે છે તેના પર સહકારી જગતની નજર રહેશે.









