જામનગરમાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં દુકાન અને બંધ મકાનમાં ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ફ્રૂટની દુકાનમાંથી રૂ. 88,350ની રોકડ અને મકાનમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ; બે અલગ-અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયા

જામનગર શહેરમાં તસ્કરોએ એક જ રાતમાં બે સ્થળે ચોરી કરીને પોલીસ માટે પડકાર ઊભો કર્યો છે. સટ્ટાબજાર નજીક આવેલી એસ.પી. મહેતા માર્કેટની ‘બજરંગ ફ્રૂટ’ દુકાનમાંથી રૂ. 88,350ની રોકડ ચોરાઈ હતી. જ્યારે લાલવાડીના કૌશલનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનનાં તાળાં તોડી રૂ. 1,81,200ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.

પ્રથમ બનાવમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા 73 વર્ષીય બલીરામ ઉધમલ દુલાણી સવારે દુકાને પહોંચ્યા ત્યારે કબાટમાં રાખેલી રોકડ ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન દુકાનના પાછળના દરવાજાનો નીચેનો ભાગ તૂટેલો મળી આવ્યો હતો. તસ્કરો દરવાજો તોડીને અંદર ઘૂસ્યા અને રૂ. 500 તથા રૂ. 200ના દરની નોટો સહિત રૂ. 88,350ની રોકડ ચોરી ગયા હતા. આ અંગે સિટી બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં ગિરિરાજ પાર્ક સોસાયટીમાં રહેતા 28 વર્ષીય પ્રતીકભાઈ પરમાર પરિવાર સાથે બહારગામ ગયા હતા. આ દરમિયાન વહેલી સવારે પાડોશીએ બે અજાણ્યા શખ્સોને તેમના મકાનમાંથી બહાર નીકળતા જોયા હતા. પાડોશીએ તેમને રોકવાનો પ્રયાસ કરતાં બંને નાસી છૂટ્યા હતા. પ્રતીકભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તાળાં તૂટેલા અને કબાટ ખુલ્લાં જોવા મળ્યાં હતાં. તપાસમાં આશરે દોઢ તોલા સોનું અને 477 ગ્રામ ચાંદીના દાગીના સહિત રૂ. 1,81,200નો મુદ્દામાલ ચોરાયો હોવાનું સામે આવ્યું હતું.

બંને બનાવમાં કુલ રૂ. 2,69,550ની મત્તાની ચોરી થઈ છે. સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસે અલગ-અલગ ગુના નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai