અલીરાજપુરથી કરજણ સુધી સવાર-સાંજ નવી ટ્રેનો શરૂ કરવાની માંગ, મુસાફરોની હાલાકી દૂર કરવા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત
કરજણ–ડભોઈ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ થયા બાદ પણ આ રૂટ પર માત્ર એક જ ટ્રેન દોડતી હોવાની સ્થિતિ સામે આવી છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં પૂરતી ટ્રેન સુવિધા ન મળતાં મુસાફરોને અપેક્ષિત લાભ મળી રહ્યો નથી. આથી અલીરાજપુરથી છોટાઉદેપુર, બોડેલી અને ડભોઈ થઈ કરજણ સુધી સવાર અને સાંજના સમયે નવી ટ્રેનો શરૂ કરવાની માંગ ઉઠી છે.
વેસ્ટર્ન રેલવે પેસેન્જર્સ એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન, વડોદરાના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને ઓછામાં ઓછી બે નવી મેમુ અથવા પેસેન્જર ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, ટ્રેનોની અછત અને અનુકૂળ સમયપત્રકના અભાવે રોજગારી, મજૂરી, શિક્ષણ અને વેપાર માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અલીરાજપુરથી છોટાઉદેપુર, તેજગઢ, પાવી, જેતપુર, બોડેલી, બહાદુરપુર (સંખેડા) અને ડભોઈ થઈ કરજણ સુધી ટ્રેન શરૂ કરવામાં આવે તો સ્થાનિક મુસાફરોને મોટી રાહત મળી શકે છે.
આદિવાસી પરિવારો, ખેતમજૂરો, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ અને માસિક સીઝન ટિકિટ (એમએસટી) ધારકોને સીધી ટ્રેન સેવાનો લાભ મળી શકે છે. નવી ટ્રેનો શરૂ થવાથી મુસાફરીનો સમય અને ખર્ચ ઘટવાની સાથે આ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.










