ઘરે બેઠા-બેઠા ખાતું ખાલી: નવા નરોડાના વેપારીના રૂ.3.70 લાખ ઉપડી ગયા, 1930માં ફરિયાદ છતાં નાણાં ન અટક્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ગેરેજ ચલાવતા વેપારીના મોબાઇલ ફોન કે ઇન્ટરનેટ માધ્યમનો દુરુપયોગ કરી અજાણ્યા શખસે તેની જાણ બહાર અલગ-અલગ બૅંક ખાતામાંથી કુલ 3.70 લાખ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બીજી ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટના અંગે સાયબર પોર્ટલ પર અરજી કર્યા બાદ નાણાં હોલ્ડ ન થતાં આખરે ભોગ બનનાર વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોબાઇલ હેક કરીને નાણાં ઉપાડી લીધા

​નવા નરોડામાં ઉમા સ્કૂલ સામે આવેલી સોમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 39 વર્ષીય ધર્મેશકુમાર મગનલાલ ગજેરા ઓઢવમાં આસ્થા એસ્ટેટ પાસે ભાડેથી ફોર-વ્હીલરનું ગેરેજ ચલાવે છે. બીજી ઓક્ટોબરના રોજ સાંજે તેઓ પોતાના ઘરે હાજર હતા, તે દરમિયાન અચાનક તેમના મોબાઇલ પર આઇસીઆઇસીઆઇ બૅંક ખાતામાંથી 1.85 લાખ રૂપિયા અને 1.10 લાખ રૂપિયા ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. જેથી તેમણે તુરંત ખાતાનું બેલેન્સ ચેક કરતાં અંદાજે 2.85 લાખ રૂપિયા બતાવતું હતું.

જોકે, તેના થોડા જ સમય બાદ ફરી તેમના મોબાઇલ પર 65 હજાર રૂપિયા અને 9 હજાર રૂપિયા ડેબિટ થયાના મેસેજ આવ્યા હતા. આમ, તેમની જાણ બહાર બૅંક ખાતાઓમાંથી કુલ 3.70 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. ​આ અંગે વેપારીએ તુરંત બેંક મેનેજરનો સંપર્ક કરતાં તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરવા જણાવ્યું હતું. સાયબર પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પાછળથી થયેલા ટ્રાન્ઝેક્શન અંગે પણ અલગથી સાયબર અરજી કરવામાં આવી હતી. જોકે બંને અરજીઓ છતાં ખાતામાંથી ગયેલા નાણાં હોલ્ડ ન થતાં આખરે ધર્મેશકુમારે કૃષ્ણનગર પોલીસ મથક પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai