બાપા સીતારામ ફાર્મ પાસે રસ્તા પર લગાવેલા સ્ટોલ આગની લપેટમાં આવ્યા; વાહનચાલકોમાં ફફડાટ, ફાયર વિભાગે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો
સુરતમાં દિવાળીના તહેવાર વચ્ચે કિરણ ચોક નજીક બાપા સીતારામ ફાર્મ પાસે ફટાકડાના સ્ટોલમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. રસ્તા પર પાથરણાં પાથરીને ફટાકડાનું વેચાણ કરતા એક સ્ટોલમાં લાગેલી આગે જોતજોતામાં નજીકના અન્ય સ્ટોલ અને ત્યાં રાખેલા ફટાકડાને પણ લપેટમાં લઈ લીધા હતા. આગની ગરમીના કારણે રોકેટ અને અન્ય ફટાકડા અંધાધૂંધ ફૂટવા લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રોકેટ છૂટતાં રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ
આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ફટાકડાના સતત ધડાકા અને રોકેટ હવામાં છૂટતાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તથા વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિને કારણે લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા.
આગની જ્વાળાઓ નજીકમાં પાર્ક કરેલા વાહનો સુધી ન પહોંચે તે માટે કેટલાક લોકોએ તાત્કાલિક વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતાં. ફટાકડાના ધડાકાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ રહ્યો હતો.
ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમો ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી. સતત પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતાં આગ નજીકના રહેણાંક અને વેપારી વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.
ફટાકડાના વેપારીઓને મોટું આર્થિક નુકસાન
આગમાં સ્ટોલમાં રાખેલો ફટાકડાનો જથ્થો બળીને ખાખ થઈ જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું હતું. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વેચાણ માટે રાખવામાં આવેલો માલ આગની લપેટમાં આવી ગયો હતો.
ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે સત્તાવાર વિગતો મળ્યા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ફટાકડાના સ્ટોલમાં આગની આ ઘટનાએ તહેવારો દરમિયાન જાહેર સ્થળોએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ વખતે સુરક્ષાનાં નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી ઉજાગર કર્યું છે.









