બાંદ્રા, વાપી, વલસાડ, ઉધના, સુરત અને મહેસાણા સ્ટેશન પર પ્રતિબંધ; અમદાવાદના કાલુપુર અને સાબરમતીમાં ખાસ હોલ્ડિંગ એરિયા સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન
દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભીડ નિયંત્રણ માટે વિશેષ પગલાં લેવામાં આવ્યાં છે. તહેવારો દરમિયાન સ્ટેશનો પર બિનજરૂરી ભીડ એકઠી ન થાય અને મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ રેલવે હેઠળનાં છ સ્ટેશનો પર 15 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે
પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ બાંદ્રા, વાપી, વલસાડ, ઉધના, સુરત અને મહેસાણા રેલવે સ્ટેશનો પર 15 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી માત્ર મુસાફરી કરતા લોકોને જ પ્લેટફોર્મ પર પ્રવેશ મળે અને મુસાફરોને મૂકવા કે લેવા આવતા લોકોની સંખ્યા નિયંત્રિત રહે તેવી વ્યવસ્થા કરવાનો હેતુ છે.
તહેવારોના દિવસોમાં ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધતી હોય છે. આવી સ્થિતિમાં સ્ટેશનો પર થતી ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
અમદાવાદમાં કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર ખાસ વ્યવસ્થા
અમદાવાદના કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનો પર મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાસ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
મોટી ભીડ એકસાથે પ્લેટફોર્મ પર ન પહોંચે તે માટે મુસાફરોને તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. હોલ્ડિંગ એરિયામાં મુસાફરોને નિયંત્રિત રીતે રોકીને ટ્રેનના આગમન અને પરિસ્થિતિ પ્રમાણે પ્લેટફોર્મ તરફ મોકલવામાં આવશે.
સુરક્ષા બંદોબસ્ત વધારાયો, CCTVથી પણ દેખરેખ
ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે બંને સ્ટેશનો પર સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. સુરક્ષા જવાનોને વોકીટોકી આપવામાં આવ્યા છે, જેથી વિવિધ ટીમો વચ્ચે તાત્કાલિક સંકલન થઈ શકે. આ ઉપરાંત CCTV કેમેરાની મદદથી સ્ટેશન પરની ભીડ પર સતત નજર રાખવામાં આવશે.
રેલવે તંત્રનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન મુસાફરોને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે ટ્રેન સુધી પહોંચાડવાનો છે. પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પરનો પ્રતિબંધ અને હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા દ્વારા સ્ટેશનો પર બિનજરૂરી ભીડ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









