‘મિશન સેફ સ્ટેશન’ અંતર્ગત ANW અને SOGનું સંયુક્ત ચેકિંગ; વરણામા સ્ટેશન પસાર થયા બાદ બે શંકાસ્પદ બેગ મળી આવ્યાં, રેલવે પોલીસે તપાસ શરૂ કરી
પશ્ચિમ રેલવેની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ‘મિશન સેફ સ્ટેશન’ અંતર્ગત હાથ ધરવામાં આવેલા સંયુક્ત ચેકિંગ દરમિયાન પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. ટ્રેન નંબર 20861 અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસના બે જનરલ કોચ વચ્ચેના કોરિડોરમાંથી 11.855 કિલો ગાંજો ભરેલી બે બિનવારસી બેગ મળી આવી હતી. પોલીસે રૂ. 5,92,750ની કિંમતનો ગાંજો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે શંકાસ્પદ બેગમાંથી ગાંજો મળી આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે પોલીસના ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક કે.એમ. ડામોર અને પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની સૂચનાથી ટ્રેનો મારફતે થતી નશાકારક પદાર્થોની આંતરરાજ્ય હેરાફેરી અટકાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે ANWની ટીમ નંદુરબાર રેલવે સ્ટેશનથી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન સવારે 7:10 વાગ્યે ટ્રેન વરણામા રેલવે સ્ટેશન પસાર થયા બાદ એન્જિન તરફના ભાગે આવેલા બે જનરલ કોચ વચ્ચેના કોરિડોરમાં મરૂન અને વાદળી રંગની બે શંકાસ્પદ બેગ જોવા મળી હતી.
ટીમે બેગની તપાસ કરતાં તેમાંથી કુલ 11.855 કિલો ગાંજો મળી આવ્યો હતો. તેની બજારકિંમત રૂ. 5,92,750 આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યો શખસ પોલીસની કાર્યવાહીથી બચવા માટે બેગ બિનવારસી મૂકીને ફરાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ મામલે ANWના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રઘુભાઈ રાજાભાઈ આલની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C) અને 20(B)(I)(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે.
ગાંજાનો જથ્થો ક્યાંથી લવાયો તેની તપાસ
હવે પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો ટ્રેનમાં કોણે મૂક્યો હતો, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરી પાછળ કોઈ સંગઠિત નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેનમાં મુસાફરી કરતા શંકાસ્પદ લોકો તેમજ અન્ય સંભવિત કડીઓની પણ તપાસ કરવામાં આવશે. જોકે, હાલ આ મામલે કોઈ આરોપીની ધરપકડ થઈ હોવાની માહિતી સામે આવી નથી.









