દિવાળી પૂર્વે રાજકોટ ગ્રામ્ય પોલીસની દારૂના ધંધાર્થીઓ સામે તવાઈ, ચાર દરોડામાં 797 બોટલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

શાપરના કારખાનામાં દારૂ ઉતારતાં કારખાનેદાર સહિત ત્રણ ઝડપાયા; ગોંડલ અને મોવિયામાં પણ કાર્યવાહી, મહિલા સહિત સાતની ધરપકડ

રાજકોટ: દિવાળીના તહેવાર પહેલાં રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂના ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ગોંડલ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમોએ ચાર સ્થળે દરોડા પાડીને કુલ 797 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ ઉપરાંત મોબાઇલ, રિક્ષા સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

શાપરના કારખાનામાં દારૂ ઉતારતાં ત્રણ ઝડપાયા

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શાપરના બંસીધર ઇન્ડસ્ટ્રીઝ-4માં આવેલા શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.

બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડીને 154 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસે આ મામલે નિલેશ રમેશ ધામેલીયા (ઉ.વ. 33, રહે. શ્રીનાથજી સોસાયટી, શાપર), સુરેશ ચકા ઉર્ફે જેઠાભાઈ વાજેલીયા (ઉ.વ. 35, રહે. શાપર) અને કિશન પ્રેમજી સોલંકી (રહે. શાપર)ની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા નિલેશ ધામેલીયાનું આ કારખાનું છે અને તેણે જ અહીં દારૂનો જથ્થો ઉતરાવ્યો હતો. અન્ય બે આરોપીઓ તેના માણસો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મોબાઇલ અને રિક્ષા સહિત બે લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગોંડલમાં મકાનમાંથી 217 બોટલ દારૂ ઝડપાયો

બીજા દરોડામાં LCBની ટીમે ગોંડલના આશાપુરા ચોકડી નજીક સિદ્ધાર્થનગર ગરબીચોક વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમાર (ઉ.વ. 36)ના મકાનમાં તપાસ કરી હતી. આ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની 217 બોટલ વિદેશી દારૂ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન પૃથ્વીરાજસિંહે દારૂનો જથ્થો કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે રહેતા કુલદીપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ગોંડલના રૂપાવટી ગામે રહેતા પ્રદિપસિંહ ગિરિરાજસિંહ રાયજાદા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. આ બંનેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોંડલમાં વધુ એક શખ્સ 13 બોટલ સાથે ઝડપાયો

ત્રીજા દરોડામાં LCBની ટીમે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલ સામેની રોયલ રેસિડેન્સી પાસે કાર્યવાહી કરી હતી. અહીંથી સુખપાલ ઉર્ફે સંજુ રવિદત શર્મા (ઉ.વ. 36, રહે. સ્ટેશન પ્લોટ, કોલેજ ચોક, ગોંડલ)ને વિદેશી દારૂની 13 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોવિયામાં મહિલા સહિત બેની ધરપકડ

ચોથા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસની ટીમે મોવિયા ગામે રહેતી સરિતાબેન જેન્તીભાઈ પરમારના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી 414 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. 70,664ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી સરિતાબેન પરમાર અને સવજી મેઘા ચાંડપા (રહે. મોવિયા)ની ધરપકડ કરી હતી.

દિવાળી પૂર્વે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ચારેય કાર્યવાહીમાં કુલ 797 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂના જથ્થાના સપ્લાયરો તથા ગેરકાયદે નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai