રણછોડનગરની પાર્સલ સર્વિસ ઓફિસમાંથી 3.553 કિલો ચાંદીની ચોરી કરનાર રાજસ્થાની યુવક ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો; ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા ચોરી કર્યાની કબૂલાત
રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આવેલી સિલ્વર જ્વેલરીની પાર્સલ સર્વિસ ઓફિસમાંથી રૂ.4.56 લાખની કિંમતનું ચાંદીના દાગીનાનું પાર્સલ ચોરી કરવાના બનાવનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં રાજસ્થાનના 21 વર્ષીય યુવકને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં યુવકે પોતાની ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા માટે ચોરી કરી હોવાનું કબૂલ્યું હોવાની માહિતી સામે આવી છે.
અજમેર મોકલવાનું પાર્સલ ઓફિસમાંથી ગાયબ
આ બનાવ અંગે પારેવડી ચોકમાં આવેલા સતગુરુ એપાર્ટમેન્ટમાં રહેતા નારાયણ સુશીલકુમાર સોમાણીએ ફરિયાદ નોંધાવી હતી. તેઓ ભાવનગર રોડ પર રણછોડનગર શેરી નંબર-14માં પ્રગતિ કોમ્પ્લેક્સ પાસે ‘સોમાણી લોજીક્સ એન્ડ પાર્સલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ’ નામે ઓફિસ ધરાવે છે. તેમની પેઢી દ્વારા ઇમિટેશન અને ચાંદીની જ્વેલરીનાં પાર્સલની હેરફેર કરવામાં આવે છે.
ફરિયાદ મુજબ, ગત 28મી તારીખે રાત્રે આશરે આઠ વાગ્યે સ્ટાફના મુકેશભાઈ સારસ્વત બંસી જ્વેલર્સ પાસેથી ચાંદીની જ્વેલરીનું પાર્સલ લઈને ઓફિસે આવ્યા હતા. આ પાર્સલ સંતકબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટીના બંસી જ્વેલર્સ દ્વારા રાજસ્થાનના અજમેર સ્થિત અરીહંત જ્વેલર્સને મોકલવાનું હતું. બિલ મુજબ પાર્સલમાં અલગ-અલગ પ્રકારની ચાંદીની જ્વેલરીનું કુલ વજન 3 કિલો 553 ગ્રામ અને કિંમત રૂ.4,56,738 હતી.
શટરનું તાળું તૂટેલું, પાર્સલ ગાયબ
બીજા દિવસે સવારે પાર્સલ અજમેર મોકલવાનું હોવાથી કર્મચારીએ તેને ઓફિસમાં રાખ્યું હતું. રાત્રે ઓફિસનું શટર બંધ કરી તાળું મારીને કર્મચારીઓ ઘરે ગયા હતા. જોકે, 29મી તારીખે સવારે ઓફિસે પહોંચતાં શટરનું તાળું જોવા મળ્યું નહોતું. અંદર તપાસ કરતાં બંસી જ્વેલર્સનું ચાંદીની જ્વેલરીનું પાર્સલ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
અજાણ્યા શખ્સે ઓફિસના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરીને 3 કિલો 553 ગ્રામ ચાંદીની જ્વેલરી, જેની કિંમત રૂ.4,56,738 હતી, તેની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રાજસ્થાનના 21 વર્ષીય યુવકને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી હતી. PSI ડી.પી. ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે અનિલ પ્રકાશભાઈ શર્મા (ઉંમર 21, વ્યવસાયે ડિલિવરી બોય, હાલ રહે. શ્યામનગર, જયપુર, રાજસ્થાન, મૂળ વતન જેસલસર, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે તેની પાસેથી ચાંદીની મહિલાઓના પગમાં પહેરવાની કળા પાયલની 40 જોડી, કુલ 3,350 ગ્રામ વજનની અને રૂ.2,71,350 કિંમતની હોવાનું દર્શાવતો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન સહિત કુલ આશરે રૂ.2.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
કર્મચારીનો સંબંધી હોવાનો પોલીસનો ખુલાસો
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો યુવક પાર્સલ સર્વિસ ઓફિસમાં કામ કરતા કર્મચારીનો સંબંધી છે. તે સૌરાષ્ટ્રમાં ફરવા આવ્યા બાદ છેલ્લા બે દિવસથી પોતાના સંબંધીના ઘરે રોકાયો હતો. આ દરમિયાન તેને ઓફિસની જાણકારી મેળવી ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા માટે ચોરી કરી હોવાનું પણ તેણે કબૂલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ASI યશવંતભાઈ ભગત, હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાળ, રાજદીપભાઈ પટગીર, અમિતભાઈ ટુંડીયા, પુષ્પરાજસિંહ ગોહિલ, મોહિતરાજસિંહ ગોહિલ સહિત કોન્સ્ટેબલ અરવિંદકુમાર ફતેપરા, કિશનભાઈ પાંભર, મહાવીરસિંહ જાડેજા, પોપટભાઈ ગમારા અને રઘુવીરસિંહ જાડેજા જોડાયા હતા.









