ધીમી ગતિએ પસાર થતી તેજસ્વી ઉલ્કાઓ અને ‘ફાયરબોલ્સ’ ખગોળપ્રેમીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર; સ્વચ્છ અને અંધકારમય સ્થળેથી નજારો નિહાળવાની જાથાની અપીલ
નવેમ્બર મહિનામાં આકાશપ્રેમીઓ માટે એક અદ્ભુત ખગોળીય ઘટના નિહાળવાની તક મળવાની છે. ટોરીડસ ઉલ્કાવર્ષા દરમિયાન 4 અને 5 નવેમ્બરની આસપાસ આકાશમાં તેજસ્વી ઉલ્કાઓ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ટોરીડસ ઉલ્કાવર્ષા આ દિવસોમાં તેની મહત્તમ સક્રિયતા પર પહોંચવાની ધારણા છે. સ્વચ્છ આકાશ અને પ્રકાશપ્રદૂષણથી દૂરના સ્થળેથી આ નજારો વધુ સારી રીતે જોઈ શકાશે.
ભારત જન વિજ્ઞાન જાથાએ રાજ્યના લોકોને આ ખગોળીય ઘટના નિહાળવા અપીલ કરી છે. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, ટોરીડસ ઉલ્કાવર્ષા ધીમી ગતિએ પસાર થતી અને ક્યારેક અત્યંત તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરતી ઉલ્કાઓ માટે જાણીતી છે. આકાશમાં અચાનક તેજસ્વી અગનગોળા જેવા દેખાતા આવા પ્રકાશને લોકપ્રિય રીતે ‘હેલોવીન ફાયરબોલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દક્ષિણ અને ઉત્તર ટોરીડસ ઉલ્કાવર્ષા
ટોરીડસ ઉલ્કાવર્ષાના મુખ્ય બે પ્રકાર છે, જેમાં દક્ષિણ ટોરીડસ અને ઉત્તર ટોરીડસનો સમાવેશ થાય છે. દક્ષિણ ટોરીડસ નવેમ્બર મહિનામાં વધુ સક્રિય બને છે અને 4 તથા 5 નવેમ્બરની આસપાસ તેની મહત્તમ સક્રિયતા જોવા મળે છે. આ દરમિયાન આકાશમાં પસાર થતી તેજસ્વી ઉલ્કાઓ ખગોળપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
ધૂમકેતુના કણોથી સર્જાય છે પ્રકાશની લકીરો
આ ખગોળીય ઘટના પૃથ્વી સૂર્યની આસપાસની પોતાની ભ્રમણકક્ષામાં ધૂમકેતુ સાથે સંકળાયેલા ધૂળના કણો અને નાના અવકાશી ટુકડાઓના માર્ગમાંથી પસાર થાય ત્યારે સર્જાય છે. આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં ઘર્ષણ અને ગરમીના કારણે તેજસ્વી પ્રકાશની લકીરો ઊભી કરે છે. ક્યારેક મોટા કણો પ્રવેશે ત્યારે આકાશમાં થોડા સમય માટે અત્યંત તેજસ્વી અગનગોળા જેવો પ્રકાશ પણ જોવા મળે છે.
જાથા દ્વારા ઉલ્કાવર્ષા નિહાળવાની તૈયારી
જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, જાથાના સભ્યો પણ આકાશમાં ટોરીડસ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારી કરી રહ્યા છે. આ અભિયાનમાં રાજુ યાદવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, વર્ષાબેન પંડ્યા, ભાવનાબેન વાઘેલા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન શેઠિયા સહિતના સભ્યો જોડાયા છે.
ખગોળીય નજારો નિહાળવા માટે શહેરની લાઇટોથી દૂર, ખુલ્લા અને અંધકારમય સ્થળની પસંદગી કરવી તથા આકાશ સ્વચ્છ હોય ત્યારે નરી આંખે નિરીક્ષણ કરવું વધુ અનુકૂળ રહેશે.









