રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગૃહ મંત્રાલયની જાહેરાત; દેશભરના 490 કર્મચારીઓની પસંદગી, ગુજરાત પોલીસના અધિકારીઓને તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2026ના પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની જાહેરાત કરવામાં આવી છે. દેશભરમાંથી કુલ 490 કર્મચારીઓની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાત પોલીસના છ અધિકારીઓનો સમાવેશ થતાં રાજ્ય પોલીસ વિભાગમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. રાજકોટ ગ્રામ્યનાં ASP સિમરન ભારદ્વાજે પણ આ પ્રતિષ્ઠિત પદક મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
તપાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની જાહેરાત મુજબ, ગુજરાત પોલીસના છ અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે અનુકરણીય કામગીરી બદલ આ પદક એનાયત કરવામાં આવશે. સન્માનિત અધિકારીઓમાં SP અંશુલ જૈન, ASP સિમરન ભારદ્વાજ, DYSP રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ
ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પદક માટે પસંદગી પામેલા તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. તપાસ ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
વૈજ્ઞાનિક અને તલસ્પર્શી તપાસને બિરદાવવામાં આવી
ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતાં જણાવાયું છે કે પસંદગી પામેલા અધિકારીઓએ જટિલ ગુનાઓની વૈજ્ઞાનિક, તાર્કિક અને તલસ્પર્શી તપાસ દ્વારા ન્યાયિક પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે.
રાષ્ટ્રીય સ્તરે મળેલા આ સન્માનથી ગુજરાત પોલીસના તપાસ વિભાગના અધિકારીઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજની પસંદગીથી રાજકોટ પોલીસ વિભાગમાં પણ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.









