સોસાયટી હેન્ડઓવર વખતે બિલ્ડરે માસ્ટર ફાઇલ સહિત તમામ દસ્તાવેજો આપવા પડશે : ગુજરેરાનો મહત્વનો ચુકાદો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પ્રધાન ગ્લેનવુડ્સ કો-ઓપ. હાઉસિંગ સોસાયટીના કેસમાં 30 દિવસમાં જમીન-બાંધકામના દસ્તાવેજો, મંજૂર પ્લાન, ઓક્યુપન્સી સર્ટિફિકેટ અને એમેનિટીઝના બિલ-વોરંટી આપવા આદેશ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા સોસાયટીને બિલ્ડિંગનો કબજો સોંપતી વખતે બિલ્ડરે પ્રોજેક્ટને લગતી માસ્ટર ફાઇલ અને જરૂરી દસ્તાવેજો આપવા અંગે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રધાન ગ્લેનવુડ્સ કો-ઓપ. હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ વિરુદ્ધ પ્રધાન ડેવલપર્સના કેસમાં ગુજરેરાએ સ્પષ્ટ કર્યું છે કે સોસાયટીને હેન્ડઓવર કરતી વખતે જમીન, બાંધકામ, મંજૂર નકશા, ઓક્યુપન્સી સર્ટિફિકેટ અને કોમન એમેનિટીઝને લગતા દસ્તાવેજો સોંપવાની જવાબદારી પ્રમોટરની છે.

ઘણી વખત બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયા બાદ અને જરૂરી પરવાનગીઓ મળ્યા પછી સોસાયટી રચવામાં આવે છે. ત્યારબાદ બિલ્ડરે રેરા એક્ટની કલમ 17 હેઠળ સોસાયટીને કોમન સુવિધાઓ અને જરૂરી દસ્તાવેજો સાથે પ્રોજેક્ટનો હવાલો સોંપવાનો રહે છે. જોકે, અનેક સોસાયટીઓમાં રહેવાસીઓ અધૂરા દસ્તાવેજો સાથે રહેવા લાગે છે અને વર્ષો પછી રીડેવલપમેન્ટ, સમારકામ કે સરકારી કામગીરીની જરૂર પડે ત્યારે દસ્તાવેજો મેળવવા બિલ્ડરની ઓફિસના ધક્કા ખાવા પડે છે.

સોસાયટીએ માસ્ટર ફાઇલ ન મળવાની ફરિયાદ કરી

પ્રધાન ગ્લેનવુડ્સ સોસાયટી દ્વારા ગુજરેરા સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે પ્રમોટર દ્વારા સોસાયટીને માસ્ટર ફાઇલ, રજાચિઠ્ઠી, મંજૂર થયેલા પ્લાન, પ્રોપર્ટી કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત સભ્યોને માસ્ટર ફાઇલ સાથે પઝેશન લેટર પણ મળ્યા ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

સોસાયટીએ અસલ બિલ, વાઉચર, વોરંટી કાર્ડ અને ગેરંટી કાર્ડ ન આપવા અંગે પણ રજૂઆત કરી હતી. ખાસ કરીને જીમનાં સાધનો અને અન્ય કોમન એમેનિટીઝની ખરીદી સંબંધિત બિલો તથા વોરંટી-ગેરંટી કાર્ડ પણ સોંપવામાં આવ્યા ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

બીજી તરફ, પ્રમોટર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જો સભ્યોને માસ્ટર ફાઇલ આપવામાં આવી ન હોય તો તેમણે હોમ લોન કેવી રીતે મેળવી હશે? જોકે, ગુજરેરાએ આ દલીલની સાથે સોસાયટીને કબજો સોંપતી વખતે જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા હોવાના પુરાવા પણ તપાસ્યા હતા.

હેન્ડઓવર કરાર રજૂ ન થતાં બિલ્ડરની જવાબદારી નક્કી

ગુજરેરાએ રેરા એક્ટની કલમ 17ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે ઓક્યુપન્સી સર્ટિફિકેટ મળ્યા બાદ પ્રમોટરે સોસાયટીને જરૂરી દસ્તાવેજો અને મંજૂર પ્લાન સોંપવા જોઈએ. જો કબજો સોંપતી વખતે માસ્ટર ફાઇલ અને અન્ય દસ્તાવેજો આપવામાં આવ્યા હોય તો તે અંગેનો હેન્ડઓવર કરાર અથવા અન્ય લેખિત પુરાવો હોવો જોઈએ.

આ કેસમાં પ્રમોટર દ્વારા એવો કોઈ કરાર કે દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નહોતો. તેથી ગુજરેરાએ માન્યું હતું કે સોસાયટીને માસ્ટર ફાઇલ સોંપવામાં આવી નથી. આ આધારે પ્રમોટરને તમામ સંબંધિત દસ્તાવેજો, પ્લાન, એમેનિટીઝની ખરીદીનાં બિલો તથા વોરંટી અને ગેરંટી કાર્ડ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પ્રોપર્ટી કાર્ડ માટે સભ્યો વ્યક્તિગત ફરિયાદ કરી શકશે

ચુકાદામાં પ્રોપર્ટી કાર્ડનો મુદ્દો પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ગુજરેરાએ જણાવ્યું હતું કે હાલની ફરિયાદ સોસાયટી દ્વારા કરવામાં આવી હોવાથી તેમાં વ્યક્તિગત સભ્યને લગતી રાહત આપી શકાય નહીં. જો કોઈ સભ્યને પોતાના ફ્લેટનું પ્રોપર્ટી કાર્ડ મેળવવું હોય અથવા પોતાના નામે મિલકતનું ટાઇટલ સંબંધિત દસ્તાવેજો જોઈતા હોય તો તેઓ અલગથી વ્યક્તિગત ફરિયાદ કરી શકે છે.

આથી પ્રોપર્ટી કાર્ડ મેળવવાનો હક નકારવામાં આવ્યો નથી, પરંતુ તે માટે સંબંધિત સભ્યએ પોતાની રીતે ફરિયાદ કરવાની રહેશે.

30 દિવસમાં દસ્તાવેજો અને 45 દિવસમાં વીજ કનેક્શન ટ્રાન્સફર કરવાનો આદેશ

ગુજરેરાના સભ્ય ડો. એમ.ડી. મોડિયાએ સોસાયટીની ફરિયાદ અંશતઃ મંજૂર કરીને પ્રમોટરને વિવિધ આદેશો આપ્યા હતા. તેમાં મુખ્યત્વે નીચે મુજબની સૂચનાઓ સામેલ છે:

30 દિવસમાં માસ્ટર ફાઇલ: જમીન અને મિલકતને લગતા તમામ દસ્તાવેજો, રજાચિઠ્ઠી, મંજૂર પ્લાન, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, એમેનિટીઝનાં બિલો તથા વોરંટી અને ગેરંટી કાર્ડ સહિતની માસ્ટર ફાઇલ સોસાયટીને સોંપવી.

ફાયર અને લિફ્ટના દસ્તાવેજો: ફાયર NOC/લાઇસન્સ અને લિફ્ટ NOC/લાઇસન્સની નકલો સોસાયટીને આપવી.

લિફ્ટ રૂમની સુરક્ષા: લિફ્ટ રૂમમાં ખુલ્લા રહેલા વાયરો 30 દિવસમાં બંધ કરી યોગ્ય વ્યવસ્થા કરવી.

કોમન વીજ કનેક્શન: 45 દિવસમાં કોમન ઇલેક્ટ્રિસિટી કનેક્શન સોસાયટીના નામે ટ્રાન્સફર કરી આપવું.

ખર્ચની ચુકવણી: ફરિયાદી સોસાયટીને ખર્ચ પેટે રૂ.10,000 ચૂકવવા.

સોસાયટીઓ માટે મહત્વનો ચુકાદો

આ ચુકાદાથી બિલ્ડિંગનું હેન્ડઓવર લેતી વખતે માત્ર કોમન સુવિધાઓનો કબજો મેળવવો પૂરતો નથી, પરંતુ પ્રોજેક્ટને લગતી સંપૂર્ણ માસ્ટર ફાઇલ અને કાનૂની-તકનીકી દસ્તાવેજો પણ મેળવવા જરૂરી હોવાનું સ્પષ્ટ થાય છે. ભવિષ્યમાં રીડેવલપમેન્ટ, મરામત, વીમા, સરકારી મંજૂરી કે મિલકતના હક સંબંધિત પ્રક્રિયામાં આ દસ્તાવેજો અત્યંત ઉપયોગી બની શકે છે.

આથી સોસાયટીના હોદ્દેદારોએ બિલ્ડર પાસેથી હેન્ડઓવર લેતી વખતે તમામ દસ્તાવેજોની યાદી તૈયાર કરવી, મૂળ દસ્તાવેજો અથવા જરૂરી પ્રમાણિત નકલો મેળવવી અને હેન્ડઓવરની લેખિત નોંધ રાખવી જરૂરી છે. આ ચુકાદો સોસાયટીઓ અને ફ્લેટધારકો માટે પોતાના દસ્તાવેજી હકો અંગે જાગૃતિ લાવતો મહત્વનો નિર્ણય બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai