અમરેલીના ગુંદરણ ગામે તુફાન ગાડીમાં બે મજૂરોને જીવતા સળગાવી હત્યા : રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીમાં ખૂની ખેલ, બે આરોપી ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાડીમાં પાર્ક કરેલી ગાડીમાં સૂતેલા 16 વર્ષના કિશોર સહિત બે પરપ્રાંતીય યુવકોનાં મોત; મૃતકના પિતાએ પૈસાની લેતીદેતીમાં આગ ચાંપ્યાનો આક્ષેપ કર્યો, પોલીસની તપાસ ચાલુ

અમરેલી, તા.3 (મિલાપ રૂપારેલ): અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં તુફાન ગાડીમાં આગ લગાવી એક સગીર સહિત બે પરપ્રાંતીય યુવકોની હત્યા કરાયાની ચકચારી ઘટના સામે આવી છે. ખેતરની વાડીમાં પાર્ક કરેલી ગાડીમાં બંને યુવકો ઊંઘી રહ્યા હતા ત્યારે આગ લાગતાં તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગંભીર રીતે દાઝી જવાથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હોવાનું લાઠીના ડીવાયએસપી વિસ્મય માંસેતાએ જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં તુફાન પેસેન્જર ગાડી પાર્ક કરવામાં આવી હતી. તેમાં મધ્યપ્રદેશના વતની 16 વર્ષીય રવિ કમલેશ બધેલ અને 21 વર્ષીય નીતિન રામસિંગ પચાયા રાત્રિના સમયે સૂતા હતા. દરમિયાન મોડી રાત્રે ગાડીમાં આગ લાગતાં બંને યુવકો આગની લપેટમાં આવી ગયા હતા. ગાડીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં.

વહેલી સવારે ગાડી સળગેલી હાલતમાં મળી આવતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ લીલીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મામલતદાર અને એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી.

રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીમાં હત્યાની આશંકા

આ ચકચારી બનાવમાં પૈસાની લેતીદેતીનો વિવાદ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક સગીર રવિના પિતા કમલેશ બધેલે આક્ષેપ કર્યો હતો કે પૈસાની લેતીદેતીના વિવાદમાં તેમના પુત્ર સહિત બે યુવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. તેમણે વિપેસિંગ નામના વ્યક્તિ પાસેથી આશરે રૂ.70 હજાર લેવાના બાકી હોવા અંગેના વિવાદમાં વિનુ નામનો શખ્સ આવી તુફાન ગાડીને આગ ચાંપી ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ, પોલીસ તપાસમાં તુફાન ગાડીના આશરે રૂ.60 હજારના બાકી હપ્તાની લેતીદેતીનો મુદ્દો સામે આવ્યો હોવાનું ડીવાયએસપી વિસ્મય માંસેતાએ જણાવ્યું હતું. આર્થિક વ્યવહારના વિવાદને પગલે જ આ ગંભીર ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

વિનેશ ઉર્ફે વિનોદ અને રાજુ ડોડીયાર ઝડપાયા

લાઠીના ડીવાયએસપી વિસ્મય માંસેતાના સીધા સુપરવિઝન હેઠળ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન વિનેશ ઉર્ફે વિનોદ વરસંગ ડોડીયાર અને તેના પિતરાઈ ભાઈ રાજુ ગોરધન ડોડીયારની સંડોવણી સામે આવતાં બંનેને ઝડપી લેવામાં આવ્યા છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશના મહિન્દ્રા ગામના વતની હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.

પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, ગાડીને આગ લગાડવા પાછળનું સમગ્ર કાવતરું શું હતું અને ઘટનાની ચોક્કસ હકીકત શું છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

બે યુવકોનાં મોતથી પંથકમાં શોક અને ચકચાર

એક તરફ 16 વર્ષના કિશોર અને બીજી તરફ 21 વર્ષના યુવકનું આ રીતે કરુણ મોત થતાં ગુંદરણ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે. આર્થિક લેતીદેતીના વિવાદમાં બે નિર્દોષ યુવકોના જીવ ગયા હોવાની આશંકાએ ઘટનાની ગંભીરતા વધુ વધી છે. હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની તપાસમાં હત્યા પાછળનાં તમામ કારણો તથા સંભવિત અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai