અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનરનો કાળો કેર : માતા-પુત્રનાં મોત, બે લોકો ગંભીર રીતે ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અક્ષર હોસ્પિટલ સામે ફૂટપાથ પર બેઠેલા લોકોને કારે અડફેટે લીધા; કારમાંથી બિયરના બે ટીન મળ્યાનો દાવો, ચાલકની મેડિકલ તપાસ હાથ ધરાઈ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અક્ષર હોસ્પિટલ સામે ફોર્ચ્યુનર કારની ટક્કરથી માતા અને તેમના 15 વર્ષીય પુત્રનાં મોત નીપજતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ સામે કેટલાક લોકો ફૂટપાથ પર બેઠા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી GJ-18-EF-4060 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ફૂટપાથ પર બેઠેલા લોકોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે લોકો દૂર ફંગોળાઈ ગયા હતા. ગંભીર ઇજાઓને કારણે પૂનમબેન અને તેમના 15 વર્ષીય પુત્ર સાગરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે કાર્તિકભાઈ અને સ્નેહલબેન વસોયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કારચાલક નશામાં હોવાની આશંકા

અકસ્મતમાં સામેલ કાર વિરલ ચૌધરી ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળે કારની તપાસ દરમિયાન અંદરથી બિયરના બે ટીન મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આથી કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ચાલકની મેડિકલ તપાસ કરાવી છે. તપાસના રિપોર્ટ બાદ જ નશામાં વાહન ચલાવ્યું હતું કે નહીં તે સ્પષ્ટ થશે.

રોષે ભરાયેલા લોકોએ ચાલકને પકડી પોલીસને સોંપ્યો

અકસ્મત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બે નિર્દોષ લોકોનાં મોત અને અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલક વિરલ ચૌધરીને પકડી લીધો હતો અને તેની સાથે મારામારી કરી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ચાલકને લોકટોળાના રોષમાંથી બચાવી કસ્ટડીમાં લીધો હતો.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. કારની ઝડપ, ચાલકની સ્થિતિ, મેડિકલ તપાસનો રિપોર્ટ અને અકસ્માતનાં ચોક્કસ કારણો સહિતનાં પાસાં તપાસવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai