પાલના ટીપી સ્કીમ નંબર 16ના ફાઇનલ પ્લોટ નંબર 103માં પાકું બાંધકામ કરી કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ; પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલે ફોટોગ્રાફ્સ સાથે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગને કરી રજૂઆત
સુરત: સુરતના પાલ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટ પર પાકું બાંધકામ કરી એસી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી છે. પાલિકાના જે પ્લોટને સ્થાયી સમિતિના ઠરાવથી ખુલ્લા પ્લોટ તરીકે ફાળવવામાં આવ્યો હતો, તેનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગને લેખિત રજૂઆત કરી છે. તેમણે ફોટોગ્રાફ્સ સાથે ફરિયાદ કરીને સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
રિઝર્વ પ્લોટમાં પાકું બાંધકામ કેવી રીતે થયું?
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ટીપી સ્કીમ નંબર 16ના પાલ ફાઇનલ પ્લોટ નંબર 103ને સુરત મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિના ઠરાવથી ખુલ્લા પ્લોટ તરીકે ફાળવ્યો હતો. જોકે, આ પ્લોટમાં પાકું બાંધકામ કરીને એસી રેસ્ટોરન્ટ સહિતની કોમર્શિયલ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાલિકાના રિઝર્વ પ્લોટમાં કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ થઈ શકે નહીં તેવી નીતિ-નિયમોની જોગવાઈ હોવા છતાં અહીં બાંધકામ કેવી રીતે ઊભું થયું તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પાલિકાની માલિકીના પ્લોટ પર આટલા સમયથી કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં જવાબદાર અધિકારીઓનું ધ્યાન કેમ ન ગયું, તે અંગે તપાસ કરવાની માગ કરાઈ છે.
કોમર્શિયલ ઉપયોગ સામે વેરા વસૂલાતનો મુદ્દો
પૂર્વ કોર્પોરેટરની રજૂઆતમાં પાલિકાના અગાઉના સામાન્ય સભાના ઠરાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ, પ્લોટનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો પ્રતિ ચોરસ મીટર રૂ. 7 વસૂલવાની જોગવાઈ હોવાનું જણાવાયું છે. તેમ છતાં આવા બાંધકામો સામે યોગ્ય વેરા વસૂલાત થતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શહેરના સામાન્ય કરદાતાઓ પાસેથી નિયમિત રીતે વેરા વસૂલવામાં આવે છે, જ્યારે પાલિકાના રિઝર્વ પ્લોટ પર કોમર્શિયલ પ્રવૃત્તિ થતી હોવા છતાં વસૂલાત ન થતી હોય તો તે અસમાન વ્યવહાર ગણાય કે કેમ, તેવો સવાલ પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે.
ફાયર સેફ્ટી અને પશ્ચિમ ઝોનના અધિકારીઓની કામગીરી સામે સવાલ
રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીની પૂરતી વ્યવસ્થા છે કે નહીં તેની પણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. જો અહીં આગ કે અન્ય કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે, તેવો પ્રશ્ન ઉઠાવી સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવાની રજૂઆત કરાઈ છે.
આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં પાલિકાના અન્ય રિઝર્વ પ્લોટ પર પણ પાકાં બાંધકામો અને ઝૂંપડાં ઊભાં થયાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તેથી માત્ર પાલના એક પ્લોટ પૂરતી તપાસ સીમિત ન રાખીને પશ્ચિમ ઝોનના તમામ રિઝર્વ પ્લોટની સ્થિતિ તપાસવા અને ગેરકાયદે બાંધકામો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
હવે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ વિભાગ દ્વારા આ રજૂઆતના આધારે તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને રિઝર્વ પ્લોટના ઉપયોગ અંગે શું કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે.









