ચૂંટણી પહેલાં ગુજરાતમાં સરકાર-સંગઠનને સક્રિય કરવાનો PM મોદીનો સંદેશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચાર કલાકની બેઠકોમાં નવી કેડરને મહત્વ સાથે જૂના નેતાઓને પણ આપ્યો ભાવ; ખેડૂતોની સ્થિતિ, સંગઠન અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલી બેઠકોને રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સાંજે 8 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલેલી બેઠકોમાં સરકાર અને ભાજપ સંગઠનના કામકાજ, આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તથા રાજ્યના વિવિધ પડકારો અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ રાજ્યમાં સરકારી કામગીરી અને સંગઠનની પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંદેશ વડાપ્રધાને આપ્યો હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

ગુજરાતમાં આગામી વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ઐતિહાસિક સફળતા મેળવી હતી. આ પરિણામ પક્ષ માટે એક માપદંડ બની ગયું છે. આગામી ચૂંટણીમાં પણ આ પ્રદર્શન જાળવી રાખવા માટે સરકાર અને સંગઠન બંનેએ અત્યારથી સક્રિય થવું પડશે તેવી ચર્ચા છે. અલનીનોની અસરને કારણે રાજ્યમાં ઊભી થઈ રહેલી પરિસ્થિતિ અને ખેડૂતોના પ્રશ્નો પણ સરકાર માટે પડકારરૂપ બની શકે છે.

જૂના નેતાઓ સાથે મુલાકાત કરીને આપ્યો સંદેશ

ભાજપમાં નવી પેઢીના નેતાઓ અને યુવા ચહેરાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગરમાં 29 વર્ષના યુવાનને મેયર બનાવવામાં આવ્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ નવા ચહેરાઓને તક મળવાની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે. જોકે, પક્ષની જૂની પેઢીના નેતાઓને અવગણવામાં આવ્યા હોવાનો સંદેશ ન જાય તે માટે વડાપ્રધાને એરપોર્ટ પર જ કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં હરિન પાઠક, ભરત બારોટ, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, મેયર દિનેશ બારોટ, ગીતાબેન પટેલ અને સુરેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જૂના જોગીઓ સાથેની આ મુલાકાતને પક્ષના વરિષ્ઠ કાર્યકરોને સક્રિય રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

સંગઠનના કામકાજનો મેળવ્યો તાગ

વડાપ્રધાન મુખ્યમંત્રી આવાસ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પક્ષના મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 20 મિનિટ ચાલેલી આ બેઠકમાં સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ખાસ કરીને દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થાય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સંગઠનના કાર્યકરો દ્વારા ખેડૂતો સુધી મદદ પહોંચે તે માટે વધુ જાગૃતિ અને સક્રિયતા દાખવવાની સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જાળવવા પર પણ ભાર મૂકાયો હતો.

મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સાથે બેઠક

વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીમંડળના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી. આ દરમિયાન સરકારની કામગીરી અને આગામી વર્ષે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી સહિતના નેતાઓના પ્રવાસ અને કાર્યક્રમોની તૈયારી અંગે પણ ચર્ચા થયાનું જણાવાયું છે.

રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા અંગે પણ રાજકીય વર્તુળોમાં અટકળો ચાલી રહી છે. બીજી તરફ, એરપોર્ટ પર હાજર રહી ન શકેલા ગોરધન ઝાડફિયાને વડાપ્રધાન બીજા દિવસે સવારે લોકભવનમાં મળે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

અંબાજી પ્રવાસ મુલતવી, આગામી સપ્તાહે ફરી ગુજરાત આવશે

વડાપ્રધાનની આ મુલાકાત ટૂંકી રહી હતી. તેઓ અંબાજી દર્શન માટે પણ આવવાના હતા, પરંતુ તહેવારોની રજાઓ દરમિયાન યાત્રાધામમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સામાન્ય દર્શનાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી આ કાર્યક્રમ મુલતવી રાખ્યો હોવાનું જણાવાયું છે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન લોકભવન ખાતે સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં ચાલતી સંસ્કારધામની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપશે. આ બેઠકમાં તેઓ ટ્રસ્ટી તરીકે ભાગ લેશે અને ત્યારબાદ દિલ્હી પરત જશે.

17થી 19 નવેમ્બર દરમિયાન જામનગરની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે એટલે કે 17થી 19 નવેમ્બર દરમિયાન ફરી ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ જામનગરમાં ભારતીય હવાઈ દળના ‘સહાયતા-સેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન અન્ય કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાનની ટૂંકા સમયગાળામાં યોજાયેલી બેઠકો અને આગામી મુલાકાતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સરકાર તથા ભાજપ સંગઠનની કામગીરીમાં વધુ સક્રિયતા જોવા મળશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai