નવી અપડેટ બાદ એક દિવસમાં એકથી ત્રણ ફરિયાદ જ નોંધાતી હોવાનો આક્ષેપ; આઈફોનમાં 70 દિવસ સુધી એપ બંધ રહી હોવાની પણ રજૂઆત
અમદાવાદના નાગરિકો રોડ પરના ખાડા, ગંદકી, રખડતાં ઢોર, પાણી ભરાવા, સ્ટ્રીટલાઇટ અને દબાણ જેવી સ્થાનિક સમસ્યાઓ અંગે ફરિયાદ નોંધાવી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા CCRS એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જોકે, નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે બનાવાયેલી આ એપ્લિકેશન હવે પોતે જ વિવાદમાં આવી છે. નવી અપડેટ બાદ ફરિયાદ નોંધાવવાની સંખ્યા પર મર્યાદા મૂકવામાં આવી હોવાના નાગરિકોના આક્ષેપથી અસંતોષ ફેલાયો છે. બીજી તરફ, AMCના અધિકારીએ આ આક્ષેપોનો ઇનકાર કર્યો છે.
એક દિવસમાં એકથી ત્રણ ફરિયાદ નોંધાવવાની મર્યાદાનો આક્ષેપ
શહેરના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, નવી અપડેટ બાદ CCRS એપમાં એક દિવસમાં એકથી ત્રણ ફરિયાદ નોંધાવ્યા પછી વધુ ફરિયાદ નોંધાતી નથી. કેટલીક વખત એક ફરિયાદ કર્યા બાદ જ બીજી ફરિયાદ નોંધવાની સુવિધા બંધ થઈ જાય છે, તો ક્યારેક બે કે ત્રણ ફરિયાદ બાદ મર્યાદા આવી જાય છે. અગાઉ એપમાં આવી કોઈ મર્યાદા ન હોવાનો દાવો કરીને નાગરિકોએ આ નિયંત્રણ દૂર કરવાની માગ કરી છે.
આ ઉપરાંત, અપડેટ થયા બાદ લગભગ 70 દિવસ સુધી આઈફોનમાં CCRS એપ્લિકેશન કાર્યરત ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે CPGRAMS પોર્ટલ, મુખ્યમંત્રી કાર્યાલય અને મેયર સુધી ફરિયાદો પહોંચાડવા છતાં ઉકેલ ન આવ્યો હોવાનો નાગરિકોનો આક્ષેપ છે.
ફરિયાદ નોંધાવવાની મર્યાદા દૂર કરવાની માગ
‘આબાદ અમદાવાદ’ સંસ્થાના ચેરમેને જણાવ્યું હતું કે નવી CCRS એપ્લિકેશનમાં દરેક કેટેગરીમાં ફરિયાદ નોંધાવવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. નાગરિકોને પોતાના વિસ્તારમાં અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ હોય ત્યારે એક જ દિવસમાં અનેક ફરિયાદો નોંધાવવાની જરૂર પડે છે. પરંતુ નવી મર્યાદાને કારણે તેઓ તમામ સમસ્યાઓની જાણ કરી શકતા નથી. અગાઉ આવી કોઈ મર્યાદા ન હોવાથી હાલની વ્યવસ્થા નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાણાપીઠ ખાતે આવેલી AMCની મુખ્ય કચેરીમાં કમિશનરની ઓફિસ બીજા માળે છે. ત્યાંના શૌચાલયમાં નળ ખરાબ હોવા અંગે પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, આ ફરિયાદનું નિરાકરણ લાવવાને બદલે તેમનું પંચનામું કરવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. નાગરિકોની ફરિયાદોનો નિકાલ લાવવા માટે બનાવેલી એપમાં જ સમસ્યાઓનું સમાધાન ન થતું હોવાનો પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
નવા વાડજની ફરિયાદ ત્રણ વોર્ડમાં ફરતી રહી
‘આબાદ અમદાવાદ’ સંસ્થાના જોઇન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે CCRS એપ લગભગ 70 દિવસ સુધી આઈફોનમાં કામ કરતી નહોતી અને શુક્રવારે ફરી શરૂ થઈ હતી. આ ટેક્નિકલ સમસ્યા અંગે સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ મારફતે અનેક વિભાગોમાં રજૂઆતો કરવામાં આવી હતી.
તેમણે નવા વાડજ રોડ પર ચાર રસ્તા નજીક ટ્રાફિક સિગ્નલની બાજુમાં પડેલા ખાડા અંગે પણ એપ મારફતે ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ ફરિયાદ નવા વાડજ, બાપુનગર અને સ્ટેડિયમ એમ ત્રણ વોર્ડમાં ફરતી રહી હતી. એપમાં લોકેશન દાખલ કરતાં જ સંબંધિત વોર્ડ નક્કી થતો હોય તો ફરિયાદ ત્રણ અલગ-અલગ વોર્ડમાં કેમ મોકલાઈ તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ પ્રકારની ટેક્નિકલ ખામીઓ દૂર કરવા AMCના અધિકારીઓએ ગંભીરતાથી કામગીરી કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.
ફરિયાદીની અંગત માહિતી જાહેર થતી હોવાનો ગંભીર આક્ષેપ
ઓઢવના એક જાગૃત નાગરિકે કોર્પોરેશનના કર્મચારીઓ સામે ફરિયાદીની અંગત માહિતી અન્ય લોકોને આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, તેઓ નાગરિકોને સ્થાનિક સમસ્યાઓ અંગે ફરિયાદ કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા આપે છે.
તેમણે થોડા સમય પહેલાં ઓઢવ વિસ્તારમાં કચરા અંગે ફરિયાદ કરી હતી, જેમાં રખડતી ગાયનો પણ ઉલ્લેખ હતો. ત્યારબાદ કોર્પોરેશનના કર્મચારીઓએ ગાયને પકડી લીધી હતી. જોકે, ગાયના માલિકે પૂછપરછ કરતાં કર્મચારીઓએ ફરિયાદીનું નામ, મોબાઈલ નંબર અને સરનામું આપી દીધું હોવાનો આક્ષેપ છે.
તેમના જણાવ્યા મુજબ, ત્યારબાદ ગાયના માલિક સહિત 10થી 15 લોકો તેમના ઘરે પહોંચી ગયા હતા અને મારવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે ફરિયાદીઓની અંગત માહિતીની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે આક્ષેપો નકાર્યા
બીજી તરફ, ફરિયાદ નોંધાવવાની મર્યાદા અને આઈફોનમાં એપ કાર્યરત ન હોવાના આક્ષેપોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ફગાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, CCRS એપ્લિકેશન આઈફોનમાં પણ કાર્યરત છે અને તેમાં ફરિયાદ નોંધાવવા માટે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.
આમ, એક તરફ નાગરિકો એપમાં ફરિયાદ નોંધાવવાની મર્યાદા, ટેક્નિકલ ખામીઓ અને અંગત માહિતીની સુરક્ષા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ AMCના અધિકારીઓ આક્ષેપોનો ઇનકાર કરી રહ્યા છે. નાગરિકોની ફરિયાદો સરળતાથી નોંધાય અને તેનો સમયસર નિકાલ થાય તે માટે આ સમગ્ર મામલે સ્પષ્ટતા અને યોગ્ય ઉકેલની માગ ઊઠી રહી છે.










