કોડાગુના હરંગી બેકવોટર્સમાં હાઈસ્પીડ બોટ વળાંક લેતી વખતે પલટી; લાઈફ જેકેટ પહેર્યાં હોવા છતાં દંપતી બોટ નીચે ફસાયું
વેકેશન માણવા કર્ણાટક ગયેલા સુરતના પરિવાર પર પ્રવાસ દરમિયાન દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કર્ણાટકના કોડાગુ જિલ્લાના કુશલનગર નજીક આવેલા હરંગી બેકવોટર્સમાં બોટિંગ દરમિયાન બોટ પલટી જતાં સુરતના ગુજરાતી દંપતીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જોકે, તેમની સાથે રહેલાં બે સંતાનોનો આબાદ બચાવ થયો હતો.
તીવ્ર વળાંક લેતી વખતે બોટ પલટી
મળતી માહિતી મુજબ, મૂળ ગુજરાતના અને સુરતમાં રહેતા 50 વર્ષીય ધર્મેશભાઈ તથા તેમનાં 48 વર્ષીય પત્ની નિમ્મીબેન બે સંતાનો સાથે રજાઓ ગાળવા કોડાગુ પહોંચ્યાં હતાં. પરિવાર કુશલનગર નજીક હરંગી બેકવોટર્સ ખાતે ‘એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ’ દ્વારા સંચાલિત બોટમાં સવાર થઈને બોટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન હાઈસ્પીડમાં દોડી રહેલી બોટે અચાનક તીવ્ર વળાંક લેતી વખતે સંતુલન ગુમાવ્યું હતું અને પલટી ખાઈને પાણીમાં ઊંધી થઈ ગઈ હતી. પરિણામે પરિવારના ચારેય સભ્યો પાણીમાં ખાબક્યા હતા.
લાઈફ જેકેટ હોવા છતાં દંપતી બોટ નીચે ફસાયું
બોટિંગ દરમિયાન પરિવારના ચારેય સભ્યોએ લાઈફ જેકેટ પહેર્યાં હતાં. બોટ પલટતાં જ સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ બચાવ માટે દોડી આવ્યા હતા. પાણીમાં તરતાં બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી કિનારે પહોંચાડવામાં આવ્યાં હતાં.
જોકે, ધર્મેશભાઈ અને નિમ્મીબેન પલટી ગયેલી બોટની નીચે ફસાઈ ગયાં હતાં. બોટના વજન અને પાણીમાં ફસાઈ જવાના કારણે તેઓ બહાર આવી શક્યાં નહોતાં. બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં આવે તે પહેલાં જ તેમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
પોલીસ અને ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને વિભાગે સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ દંપતીના મૃતદેહો બહાર કાઢ્યા હતા. માતા-પિતાને ગુમાવનાર બંને બાળકો આ ઘટનાથી આઘાતમાં સરી પડ્યાં હતાં.
બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કુશલનગર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના મોર્ચરી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના કુશલનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોટ સંચાલકોની સંભવિત બેદરકારી સહિતનાં પાસાંની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુરતના પરિવાર સાથે બનેલી આ દુર્ઘટનાના સમાચારથી તેમના સ્વજનો અને વતનમાં શોકની લાગણી ફેલાઈ છે.










