દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા; મંદિર બહાર કિલોમીટર લાંબી કતારો, રંગબેરંગી ઝાંખીઓ અને રોશનીથી નગરી બની ભક્તિમય
વીરપુર: સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે તેમની જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાપાનાં દર્શન માટે વીરપુર પહોંચ્યા છે. પ્રથમ આરતી અને દર્શનનો લાભ લેવા માટે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
વીરપુરમાં દિવાળી જેવો ઝગમગાટ
જન્મજયંતિની ઉજવણીની શરૂઆત વહેલી સવારે પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા તેમની સમાધિ પર પૂજા-અર્ચના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં પ્રથમ આરતી ઉતારવામાં આવી અને ભક્તો માટે દર્શન ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.
જલારામ જયંતિ નિમિત્તે સમગ્ર વીરપુર નગરીને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. સ્થાનિક રહીશોએ ઘરેઘરે રંગોળીઓ બનાવી છે, દરવાજે આસોપાલવનાં તોરણ બાંધ્યાં છે અને ઘરો તથા ગેસ્ટ હાઉસ પર રોશનીનો શણગાર કર્યો છે. સમગ્ર નગરીમાં જાણે દિવાળીની બીજી ઉજવણી થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો છે.
જીવનચરિત્ર દર્શાવતી ઝાંખીઓ બનશે આકર્ષણ
શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર, સેવાકાર્યો અને સંદેશને રજૂ કરતી આકર્ષક ઝાંખીઓ તથા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
ભક્તોની સેવા માટે ઠેરઠેર પરબ
વીરપુર પહોંચતા માર્ગો અને શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોની સુવિધા માટે પાણી, શરબત અને છાશની પરબ ઊભી કરવામાં આવી છે. અલગ-અલગ સ્થળોએ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દૂરદૂરથી આવતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે સેવાભાવી લોકો સેવા કાર્યમાં જોડાયા છે.
227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ
પૂજ્ય જલારામ બાપાની 227મી જન્મજયંતિની વિશેષ ઉજવણીના ભાગરૂપે ભક્તોને 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે.
દાન સ્વીકાર્યા વિના અવિરત અન્નક્ષેત્રની પરંપરા
વીરપુર મંદિરની વિશેષતા એ છે કે છેલ્લા 26 વર્ષથી મંદિરમાં કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટસોગાદ સ્વીકારવામાં આવતી નથી. બીજી તરફ, 200 વર્ષથી વધુ સમયથી અન્નક્ષેત્રની સેવા અવિરત ચાલી રહી છે. જલારામ બાપાની સેવા અને માનવતાની પરંપરાને આગળ ધપાવતું આ અન્નક્ષેત્ર આજે પણ ભક્તો માટે શ્રદ્ધા અને સેવાભાવનું કેન્દ્ર છે.
લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ, ભક્તિમય વાતાવરણ, ભવ્ય શોભાયાત્રા અને સેવાકીય પ્રવૃત્તિઓથી જલારામ જયંતિએ સમગ્ર વીરપુર નગરીમાં ઉત્સવનો માહોલ છવાયો છે.










