રાજકોટના બજારમાં સોનું ઘટીને રૂ.1.39 લાખ થયું; ચાંદી રૂ.1.75 લાખે પહોંચી, વધુ ઘટાડાની આશાએ ગ્રાહકો ખરીદીથી દૂર
રાજકોટ: સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. વૈશ્વિક બજારમાં નરમાઈની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. રાજકોટના બજારમાં આજે હાજર સોનાના ભાવમાં રૂ.1,200નો ઘટાડો થતાં ભાવ ઘટીને રૂ.1.39 લાખ થયો હતો. બીજી તરફ, ચાંદીમાં પણ રૂ.6,000નો મોટો ઘટાડો નોંધાયો હતો અને ભાવ રૂ.1.75 લાખ પર પહોંચ્યો હતો.
વાયદા બજારમાં પણ ભાવ ગગડ્યા
રાજકોટના બજારમાં હાજર સોનામાં ઘટાડા ઉપરાંત વાયદા બજારમાં પણ રૂ.1,700નો ઘટાડો નોંધાયો હતો. વાયદામાં સોનાનો ભાવ ઘટીને રૂ.1,35,000 થયો હતો, જ્યારે વિશ્વબજારમાં સોનું પ્રતિ ઔંસ 3,860 ડોલર આસપાસ રહ્યું હતું.
ચાંદીના ભાવમાં પણ ઘટાડાની અસર જોવા મળી હતી. હાજર ચાંદી રૂ.6,000 ઘટીને રૂ.1.75 લાખ થઈ હતી, જ્યારે વાયદા બજારમાં રૂ.6,500ના ઘટાડા સાથે ભાવ રૂ.1,69,800 નોંધાયો હતો. વિશ્વબજારમાં ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 47.30 ડોલર રહ્યો હતો.
લગ્નગાળાની ખરીદી છતાં ગ્રાહકોની રાહ જોવાની નીતિ
વેપારીઓના જણાવ્યા મુજબ, વૈશ્વિક સ્તરે બજારમાં મંદીનો માહોલ છે અને દેશમાં તહેવારોની સિઝન પણ પૂર્ણ થઈ ગઈ છે. આગામી બે મહિના બાદ લગ્નગાળો શરૂ થવાની શક્યતા હોવાથી સોના-ચાંદીની ખરીદીમાં વધારો થવાની આશા છે. જોકે, હાલમાં ભાવમાં સતત ઘટાડો થતાં ગ્રાહકો હજુ વધુ સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે.
પરિણામે લગ્નસરાની ખરીદી માટેની જરૂરિયાત હોવા છતાં ગ્રાહકો એકસાથે મોટી ખરીદી કરવા આગળ આવી રહ્યા નથી. બજારમાં હાલ ખરીદદારોની સાવચેતીભરી વલણ જોવા મળી રહ્યું છે.
ભાવમાં આગળ શું થશે? નિષ્ણાતોમાં મતભેદ
સોના-ચાંદીના ભાવમાં હજુ વધુ ઘટાડો થશે કે ફરી તેજી જોવા મળશે તે અંગે નિષ્ણાતોમાં અલગ-અલગ મંતવ્યો છે. અમેરિકાના વ્યાજદર, સ્થાનિક વ્યાજદર અને ક્રૂડ ઓઈલના ભાવમાં રહેલી અનિશ્ચિતતા સહિતનાં પરિબળો કિંમતી ધાતુઓના બજારને અસર કરી રહ્યા છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારની સ્થિતિ અને આર્થિક સંકેતોના આધારે સોના-ચાંદીના ભાવની દિશા નક્કી થશે.










