ચોટીલામાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ: રૂ.59 લાખના 130 છોડ ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રામપરા ચોબારી ગામની સીમમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો; 118 કિલો ગાંજાના છોડ સાથે ખેડૂતની ધરપકડ

ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રામપરા ચોબારી ગામની સીમમાં ગાંજાના ગેરકાયદે વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક વાડીમાં દરોડો પાડીને ગાંજાના મૂળિયા સહિતના કુલ 130 લીલા છોડ જપ્ત કર્યા હતા. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.59 લાખ અને વજન 118 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વાડીના માલિક ખેડૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોક્કસ બાતમીના આધારે વાડીમાં દરોડો

મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના રાજકોટ ઝોનના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને પીઆઈ જે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોટીલાના રામપરા ચોબારી ગામની સીમમાં આવેલી એક વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે.

બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસ ટીમે વાડીમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં ગાંજાના લીલા છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

130 છોડ સહિત 118 કિલોનો જથ્થો કબજે

દરોડા દરમિયાન પોલીસને વાડીમાંથી મૂળિયા સહિતના ગાંજાના કુલ 130 લીલા છોડ મળી આવ્યા હતા. તેનું કુલ વજન 118 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ.59 લાખ આંકવામાં આવી હતી. પોલીસે તમામ છોડ કબજે કરીને ગેરકાયદે વાવેતર અંગેની તપાસ શરૂ કરી હતી.

વાડી માલિક ખેડૂતની ધરપકડ

આ મામલે પોલીસે વાડીના માલિક ભરત માવજી બાવળીયા (રહે. રામપરા ચોબારી, તા. ચોટીલા)ને ઝડપી પાડ્યો હતો. રાજકોટ ઝોનના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના પીઆઈ જે.જે. ચૌહાણે ફરિયાદી બની આરોપી સામે એનડીપીએસ એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ સમગ્ર કેસની વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગરના આણંદપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ગામની સીમમાં ગાંજાના આટલા મોટા જથ્થાનું વાવેતર ઝડપાતાં પંથકમાં ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai