અદાણી બાદ ગુજરાત એનર્જીનો ભાવવધારો; CNGનો ભાવ રૂ.88.76થી વધીને રૂ.93.76 થયો, કારચાલકો અને રિક્ષાચાલકો પર વધશે ખર્ચ
ગુજરાતમાં CNG વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ) દ્વારા પણ CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.5નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારા બાદ ગુજરાત ગેસનો CNGનો ભાવ રૂ.88.76થી વધીને રૂ.93.76 પ્રતિ કિલો થયો છે.
એક જ દિવસમાં રૂ.5નો વધારો
ગુજરાત એનર્જી દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ભાવને પગલે CNG ભરાવવા માટે હવે વાહનચાલકોએ વધુ નાણાં ખર્ચવા પડશે. ખાસ કરીને CNGથી ચાલતી કાર, રિક્ષા અને ટેક્સીનો ઉપયોગ કરતા લોકોના માસિક બજેટ પર તેની સીધી અસર પડશે.
અદાણી બાદ ગુજરાત ગેસનો પણ ભાવવધારો
થોડા સમય પહેલાં અદાણી દ્વારા પણ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે દિવાળી બાદ ગુજરાત ગેસે પણ ભાવ વધારતાં CNG વાહનચાલકોની મુશ્કેલી વધી છે. સતત ભાવવધારાને કારણે પેટ્રોલ અને CNGના ભાવ વચ્ચેનો તફાવત ઘટ્યો છે અને બંને ઇંધણના ભાવ લગભગ સમકક્ષ પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
CNGના ભાવમાં વારંવાર થઈ રહેલા વધારાને કારણે રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોના સંચાલન ખર્ચમાં વધારો થશે. તેની અસર ભાડાં અને મુસાફરીના ખર્ચ પર પણ પડી શકે છે.










