રૈયાગામ નજીક યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી, દારૂ-કાર સહિત રૂ.3.21 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ: રાજકોટમાં દારૂની હેરાફેરી સામે યુનિવર્સિટી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રૈયાગામ નજીકથી કારના દરવાજામાં બનાવેલા ખાસ ચોરખાનામાં છુપાવેલી વિદેશી દારૂની 240 બોટલ સાથે રૈયાધારના એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે દારૂ ભરેલી I-20 કાર મેલડીમાના મંદિર નજીકથી રૈયાગામ તરફ જતા કાચા રસ્તા પરથી પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ હાથ ધરી હતી.
કારની તપાસ દરમિયાન તેના દરવાજામાં ખાસ રીતે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની 240 બોટલ મળી આવી હતી. પોલીસે કારચાલક દિનેશ નરોતમ પરમાર, રહે. રૈયાધાર,ની ધરપકડ કરી હતી.
પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.3.21 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની પૂછપરછ શરૂ કરી હતી.
પૂછપરછ દરમિયાન દિનેશે આ દારૂનો જથ્થો લીંબડીના કરણ નરેશ સોલંકી પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આથી પોલીસે કરણ સોલંકીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.
દારૂની હેરાફેરી માટે કારમાં ખાસ ચોરખાનું બનાવી તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થતાં પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.










