નવી દિલ્હી: વિદેશમાં શંકાસ્પદ રીતે મોટી રકમ મોકલવા અને હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર કરવાની આશંકા વચ્ચે આવકવેરા વિભાગે દેશવ્યાપી મોટું તપાસ અભિયાન હાથ ધર્યું છે. 18 ઓગસ્ટે શરૂ થયેલી આ કાર્યવાહીમાં 394 શંકાસ્પદ સંસ્થાઓ અને 36 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સહિતના પ્રોફેશનલ્સને તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે.
CBDTના જણાવ્યા મુજબ, તપાસનો મુખ્ય હેતુ એવી સંસ્થાઓની વિદેશી ચૂકવણીની વાસ્તવિકતા ચકાસવાનો છે, જેમના વ્યવહારોમાં શંકાસ્પદ ગેરરીતિ જોવા મળી છે. તપાસ હેઠળ આવેલી 394 સંસ્થાઓમાંથી 117 સંસ્થાઓ સરહદી રાજ્યો અને જિલ્લાઓમાં આવેલી હોવાનું જણાવાયું છે.
ગુજરાતમાં પણ અનેક સ્થળોએ તપાસ
દેશવ્યાપી ઓપરેશન અંતર્ગત ગુજરાતમાં પણ આવકવેરા વિભાગની ટીમોએ વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી છે. ગાંધીધામ અને મુન્દ્રામાં શિપિંગ કંપનીઓ તથા વેપારી જૂથો, રાજકોટમાં વિદેશી રોકાણ અને પ્રોપર્ટી સાથે જોડાયેલા વ્યવસાયીઓ તથા CA ગ્રુપ અને મોરબી-અમદાવાદમાં વિવિધ વેપારી એકમો તપાસના દાયરામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બોગસ ટ્રસ્ટ અને શેલ કંપનીઓનો ઉપયોગ
પ્રાથમિક તપાસમાં એવી સંસ્થાઓ સામે આવી છે, જે કાગળ પર અસ્તિત્વ ધરાવતી હોવા છતાં વાસ્તવિક રીતે તેમની નોંધાયેલ જગ્યાએ કાર્યરત નહોતી. કેટલીક સંસ્થાઓ દ્વારા બોગસ ડોનેશન, શંકાસ્પદ એન્ટ્રીઓ અને હવાલા મારફતે નાણાંની હેરફેર કરવામાં આવી હોવાની આશંકા છે.
તપાસમાં એવી પણ ગેરરીતિ સામે આવી છે કે કેટલીક સંસ્થાઓએ આવકવેરા રિટર્ન ભર્યા નહોતા અથવા તો ખૂબ જ ઓછું ટર્નઓવર દર્શાવ્યું હતું, જ્યારે તેમના બેંકિંગ રેકોર્ડમાં વિદેશમાં મોટી રકમ મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
36 CA અને પ્રોફેશનલ્સની ભૂમિકા પણ તપાસ હેઠળ
વિદેશમાં નાણાં મોકલવા માટે જરૂરી ફોર્મ 15EE સહિતના પ્રમાણપત્રો ઇશ્યૂ કરનારા 36 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય પ્રોફેશનલ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. CBDTએ CA અને ટેક્સ પ્રોફેશનલ્સને આવા પ્રમાણપત્રો આપતી વખતે વ્યવહારોની સંપૂર્ણ ચકાસણી અને યોગ્ય કાળજી રાખવા સૂચના આપી છે.
આ સમગ્ર તપાસમાં માત્ર કરચોરી જ નહીં, પરંતુ હવાલા મારફતે વિદેશમાં નાણાં ટ્રાન્સફર અને દેશની નાણાકીય સુરક્ષા સાથે સંકળાયેલા સંભવિત કનેક્શન પણ તપાસવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગ હવે આ શંકાસ્પદ વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહ્યું છે.










