રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વહીવટ અને વિકાસને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં કુલ 14 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 1 દરખાસ્ત નામંજૂર અને 1 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.
રેસકોર્સ ઓડિટોરિયમનું રિનોવેશન અટકાવાયું
રેસકોર્સ ખાતે આવેલા ઓડિટોરિયમના રિનોવેશન અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કરી છે. હવે આગામી 4 મહિના દરમિયાન PPP ધોરણે એજન્સી મારફતે કામ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કોઈ એજન્સી આગળ નહીં આવે તો આ દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
પેટ્રોલ પંપથી મનપાને ₹40 લાખનો લાભ
RMCના વાહનો માટે હાલના કન્ઝ્યુમર પંપના બદલે રીટેલ પેટ્રોલ પંપ શરૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજકોટ મહાનગરપાલિકાને દર મહિને આશરે ₹40 લાખની બચત થવાની શક્યતા છે.
સ્વચ્છતા માટે નવી એજન્સીને જવાબદારી
શહેરની સ્વચ્છતા અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મેળવવા માટે ‘નિકસી’ (NIXI) એજન્સીને કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો છે. એજન્સી રાજકોટની સ્વચ્છતા, એર પોલ્યુશન, ડસ્ટ ફ્રી સિટી સહિતના વિવિધ 16 પોર્ટલ પર જરૂરી ડેટા સબમિટ કરશે.
આ ડેટાના આધારે કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મેળવવામાં મદદ મળશે તેમજ રાજકોટના સ્વચ્છતા રેન્કિંગમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.










