જામનગરના વૃંદાવન પાર્ક-2માં જાહેર માર્ગ પર બંને બાજુ ગેટ લગાવતાં રોષ
જામનગરના રણજિત સાગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક-2માં કાલિદી સ્કૂલની બાજુની ગલીમાં જાહેર રસ્તા પર બંને છેડે ગેટ લગાવી દેવામાં આવતા સ્થાનિક રહીશો, વાલીઓ અને વાહનચાલકોની મુશ્કેલી વધી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ગલીનો ઉપયોગ વર્ષોથી જાહેર અવરજવર માટે થાય છે. તેમ છતાં બંને છેડે ગેટ મુકાતા રસ્તો સંકુચિત બન્યો છે. ખાસ કરીને કાલિદી સ્કૂલના સમય દરમિયાન મોટી સંખ્યામાં વાલીઓ બાળકોને લેવા-મૂકવા માટે આવતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.
રાહદારીઓ અને વાહનચાલકોને ગેટ વચ્ચેના સંકુચિત માર્ગમાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. સ્કૂલના સમય દરમિયાન કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ બને તે પહેલાં તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિક રહીશો અને વાલીઓએ જાહેર રસ્તા પર લગાવવામાં આવેલા બંને ગેટ તાત્કાલિક દૂર કરી માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો કરાવવા માંગ કરી છે. હવે સંબંધિત તંત્ર આ ફરિયાદ અંગે ક્યારે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.










