મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ

ખેડૂતો 9 ઓક્ટોબર સુધી કરાવી શકશે વિનામૂલ્યે નોંધણી; મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ

ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને તેમની ઉત્પાદિત કૃષિ જણસોના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ તેમને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે ખરીફ સીઝન 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો આ ચાર ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આજથી આગામી 9 ઓક્ટોબર, 2026 સુધી એટલે કે એક મહિના સુધી નોંધણી કરાવી શકશે.

ફાર્મર્સ રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતોની આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE/VLE મારફતે વિનામૂલ્યે નોંધણી કરવામાં આવશે. ખેડૂતોને નોંધણી માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે અને આર્થિક રક્ષણ પૂરું પાડવાના હેતુથી ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ 2026-27 માટે જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ મગફળીના રૂ. 7,517 પ્રતિ ક્વિન્ટલ, મગના રૂ. 8,780 પ્રતિ ક્વિન્ટલ, અડદના રૂ. 8,200 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનના રૂ. 5,708 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને બજારભાવમાં થતી વધઘટ સામે રક્ષણ મળશે અને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળી રહેવામાં મદદ મળશે.

United Times
Author: United Times

DAILY NEWS

Leave a Comment