રાજ્યમાં ભેળસેળિયા માફિયાઓ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં કોઈપણ ભેળસેળિયા માફિયાને સાંખી લેવામાં આવશે નહીં.
મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ‘એનાલોગ પનીર’ના ઉત્પાદન, વેચાણ અને પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પામ ઓઇલ અને મિલ્ક પાવડરના મિશ્રણથી બનતું આ ઉત્પાદન અસલી પનીર ન હોવા છતાં પનીરના નામે વેચાતું હતું. પ્રતિબંધ બાદ ઓરિજિનલ અને સ્ટાન્ડર્ડ સહકારી ડેરીઓના પનીર, ચીઝ અને બટરનું વેચાણ વધ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
છેલ્લા 4-5 મહિનાથી રાજ્યભરમાં ભેળસેળ સામે વિશેષ ડ્રાઇવ ચાલી રહી છે. ફૂડ પોઇઝનિંગ તથા વધુ પડતા કલર કે કેમિકલ ધરાવતા ખાદ્યપદાર્થોના પોઝિટિવ રિપોર્ટના આધારે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઊંઝામાં વરિયાળી અને જીરામાં કલર ભેળવતી 5 ફેક્ટરીઓને તાજેતરમાં સીલ કરવામાં આવી છે.