મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ : રૂ.4.08 લાખ કરોડના બજેટથી સેમિકન્ડક્ટર અને AI સુધી ગુજરાતે ભવિષ્યનો રોડમેપ તૈયાર કર્યો
ગાંધીનગર : ગુજરાતે વિકાસની ગતિને સતત આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમના કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન વિકાસ સાથે સામાન્ય અને છેવાડાના નાગરિક સુધી સરકારની યોજનાઓ અને સુવિધાઓ પહોંચે તે દિશામાં વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી છે.
રાજ્યનું રૂ.4.08 લાખ કરોડનું બજેટ માત્ર એક આંકડો નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, ટેક્નોલોજી અને સામાજિક સુરક્ષા સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવાનો આધાર બન્યું છે.
શિક્ષણથી શરૂ થયેલી વિકાસની નવી દિશા
શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, ટેક્નોલોજી અને નવીનતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ અત્યારસુધીમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.2,110 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ 3.54 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.290 કરોડની સહાય મળી છે.
‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ હેઠળ 13,353 નવા વર્ગખંડો, 21 હજાર નવી કમ્પ્યુટર લેબ્સ, 1.09 લાખ સ્માર્ટ ક્લાસરૂમ્સ અને 5 હજાર STEM લેબ્સનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
શિક્ષણમાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે ડ્રોપઆઉટ ઘટાડવા માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે. 2001-02માં ધોરણ 1થી 8નો ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે 2024-25માં ઘટીને 2.35 ટકા થયો હોવાનું જણાવાયું છે.
આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓનો વિસ્તાર
આરોગ્ય ક્ષેત્રે પણ ગુણવત્તાયુક્ત અને ટેક્નોલોજી આધારિત સેવાઓના વિસ્તરણ પર ભાર મૂકાયો છે. ‘નમોશ્રી’ યોજના હેઠળ અત્યારસુધીમાં 8 લાખથી વધુ મહિલાઓને રૂ.540 કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યમાં 99.97 ટકા સંસ્થાકીય ડિલિવરી દર નોંધાયો હોવાનું જણાવાયું છે.
ઇમરજન્સી આરોગ્યસેવાને વધુ સક્ષમ બનાવવા 108 એમ્બ્યુલન્સ સેવામાં 617 નવી તેમજ હોસ્પિટલ આધારિત એમ્બ્યુલન્સને સંકલિત કરવામાં આવી છે. રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની કુલ સંખ્યા 1,455 થઈ છે.
સેમિકન્ડક્ટરથી ગુજરાતની નવી ઓળખ
ગુજરાતની વિકાસયાત્રામાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રવેશને મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે 13.66 બિલિયન અમેરિકન ડોલરથી વધુનું રોકાણ આવ્યું છે. ભારત સરકાર દ્વારા મંજૂર કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટમાંથી 6 ગુજરાતમાં છે.
સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના મુખ્ય કેન્દ્રો તરીકે વિકસી રહ્યા છે. ચિપ ઉત્પાદન સાથે એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ માટેની ક્ષમતાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. રાજ્યમાં મંજૂર 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી 3 પ્લાન્ટ વ્યવસાયિક ધોરણે કાર્યરત થઈ ચૂક્યા હોવાનું જણાવાયું છે.
ડેટા સેન્ટર અને AI માટે નવી દિશા
AI અને ડિજિટલ ટેક્નોલોજીના વધતા મહત્વ વચ્ચે ગુજરાતને ડેટા સેન્ટર હબ બનાવવાની દિશામાં પણ પગલાં લેવામાં આવ્યા છે. ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ 2026-29’ હેઠળ રાજ્યમાં 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
ડેટા સેન્ટર્સમાં ગ્રીન એનર્જીના ઉપયોગ પર પણ ભાર મૂકાયો છે. નીતિ મુજબ 51 ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. ધોલેરા સહિતના વિસ્તારોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે.
19 નીતિઓથી ઉભરતા ક્ષેત્રોને વેગ
છેલ્લા પાંચ વર્ષમાં 19 મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવાયું છે. સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રોનિક્સ, સ્પેસટેક, GCC, ડેટા સેન્ટર, શિપબિલ્ડિંગ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ચાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા કુલ રૂ.17.4 લાખ કરોડના રોકાણ માટે MoU થયા હોવાનું જણાવાયું છે. આ પહેલનો ઉદ્દેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોકાણ અને રોજગારીની તકો વધારવાનો છે.
સુશાસનથી ‘વિકસિત ગુજરાત 2047’ સુધી
વહીવટી ક્ષેત્રે પણ ડિજિટલ અને સંસ્થાકીય સુધારાઓ પર ભાર મૂકાયો છે. ‘સુગમ ડિજિટલ ગુજરાત’ દ્વારા સરકારી સેવાઓને પેપરલેસ, કેશલેસ અને ફેસલેસ બનાવવાની દિશામાં પગલાં લેવાયા છે. નીતિ આયોગની પેટર્ન પર GRIT અને વહીવટી સુધારાઓ માટે GARCની રચના કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને અનુરૂપ ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હોવાનું દસ્તાવેજમાં જણાવાયું છે.
વિકાસની સીમા નહીં
ગ્રામ્ય વિકાસથી શહેરી આધુનિકરણ, શિક્ષણથી આરોગ્ય, સેમિકન્ડક્ટરથી AI અને રિન્યુએબલ એનર્જીથી ડેટા સેન્ટર સુધી ગુજરાતે વિકાસના અનેક નવા ક્ષેત્રોમાં પગદંડો જમાવવાનો પ્રયાસ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષના શાસનકાળની આ સફરને માત્ર બજેટ અને રોકાણના આંકડાઓ સુધી સીમિત નહીં રાખીને સામાન્ય માનવી સુધી સુવિધા પહોંચાડવા અને ગુજરાતને ભવિષ્ય માટે તૈયાર કરવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવી છે.
રૂ.4.08 લાખ કરોડનું બજેટ, 19 નવી નીતિઓ, સેમિકન્ડક્ટરમાં 13.66 બિલિયન ડોલરથી વધુનું રોકાણ અને ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ — આ પાંચ વર્ષની વિકાસયાત્રાને દેશના ભવિષ્ય માટેના ગુજરાતના રોડમેપ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.