અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝામાં ભક્તિમય ગરબાનું આયોજન; સ્થાનિક કલાકારોને મળશે પ્રસ્તુતિની તક
ગાંધીનગર: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ-2026ની ઉજવણીને વધુ ભવ્ય અને ભક્તિમય બનાવવા રાજ્યનાં પાંચ પ્રખ્યાત યાત્રાધામોમાં નવ દિવસ સુધી ગરબાના કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પહેલથી અંબાજી, બહુચરાજી, ઉનાઈ, મોઢેરા અને ઊંઝા ખાતે આ આયોજન માટે કુલ ₹2.90 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
એક દિવસને બદલે નવ દિવસ ગરબાનું આયોજન
હાલની જોગવાઈ મુજબ આ યાત્રાધામોમાં એક દિવસીય નવરાત્રિ કાર્યક્રમ યોજવાની વ્યવસ્થા હતી. જોકે, શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી અને નવરાત્રિના મહત્ત્વને ધ્યાનમાં રાખીને હવે તમામ નવ દિવસ ગરબાના કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિર્ણયથી નવરાત્રિ દરમિયાન માતાજીનાં દર્શન માટે આવતા ભક્તોને ધાર્મિક વાતાવરણમાં ગરબાની રમઝટ માણવાની તક મળશે.
પાંચ યાત્રાધામોમાં થશે આયોજન
નવ દિવસીય ગરબા મહોત્સવનું આયોજન નીચેના સ્થળોએ કરવામાં આવશે:
અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ
બહુચરાજી: શ્રી બહુચરાજી માતાજી મંદિર, મહેસાણા
ઉનાઈ: ઉનાઈ માતાજી મંદિર, વાંસદા
મોઢેરા: શ્રી મોઢેશ્વરી માતાજી મંદિર
ઊંઝા: શ્રી ઉમિયા માતાજી મંદિર
આ કાર્યક્રમો માટે કલાકારોના મહેનતાણા સહિત અન્ય આનુષંગિક ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
લોકસંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને મળશે પ્રોત્સાહન
આ નવ દિવસીય મહોત્સવમાં સ્થાનિક તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવતા લોકકલાકારો પોતાની કલા રજૂ કરશે. માતાજીનાં દર્શનાર્થે આવતા માઈભક્તો ભક્તિગીતો અને પરંપરાગત ગરબાની રમઝટ માણી શકશે.
આ આયોજનથી ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિને પ્રોત્સાહન મળવાની સાથે યાત્રાધામોમાં નવરાત્રિની ઉજવણી વધુ ઉત્સાહભેર થવાની અપેક્ષા છે. નવ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમો ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાના સમન્વયનું માધ્યમ બનશે.










