રૂ. 1.25 લાખનો મુદ્દામાલ કબજે; પકડાયેલા મનીષ સોદરવા સામે અગાઉ પણ પ્રોહિબિશનના બે ગુના નોંધાયેલા
રાજકોટ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં રૂરલ LCBની ટીમે શાપર-વેરાવળમાં આવેલા દાસારામ ઓટો ગેરેજ પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં વિદેશી દારૂની 144 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, શાપર ગામમાં ટીલાળા ગેટની અંદર આવેલા દાસારામ ઓટો ગેરેજમાં વિદેશી દારૂનો જથ્થો લાવી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. આથી રૂરલ LCBની ટીમે દરોડો પાડીને મનીષ બળવંત સોદરવા (ઉંમર 26) અને ભાર્ગવ રાજા પીપરોતર (ઉંમર 21)ને ઝડપી લીધા હતા.
પોલીસે વિદેશી દારૂની 144 બોટલ, જેની કિંમત રૂ. 60,144 હોવાનું જણાવાયું છે, તેમજ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ મનીષ સોદરવા સામે અગાઉ શાપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુના નોંધાયેલા છે. બંને આરોપીઓની અટકાયત બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય LCBના PI જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા ASI બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, બીજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા સહિતની ટીમે કરી હતી.










